ગુજરાતના શિક્ષણ જગતમાં માફિયા રાજ શરૂ કરનાર બોથરા અને આકાશ જેવા ક્લાસીસ પર સરકાર કડક પગલાં લે: વિક્રમ દવે
- ક્લાસીસના માફિયા રાજને રોકવા માટે સરકાર પગલા નહીં લે તો આમ આદમી પાર્ટી આવા ક્લાસીસ પર તાળાબંધી કરશે: શીતલ ઉપાધ્યાય
- શિક્ષણના માફિયા રાજને રોકવા માટે સરકાર તાત્કાલિક ધોરણે નવા નિયમો બનાવે: વિક્રમ દવે
- 15 દિવસ બાદ સમગ્ર ગુજરાતમાં માફિયા રાજ ચલાવતા ક્લાસીસ પર તાળાબંધી કરવામાં આવશે: શીતલ ઉપાધ્યાય
આમ આદમી પાર્ટીના પ્રવક્તા વિક્રમભાઈ દવેએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, આમ આદમી પાર્ટીના શિક્ષણ સેલ દ્વારા જૂન મહિનામાં એક સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને જેમાં બોથરા અને આકાશ જેવા ક્લાસીસ દ્વારા મસમોટી રકમ લઈને કઈ રીતે બોગસ શાળાઓનું આયોજન કરીને અને હોસ્ટેલના નામે પણ મોટી મોટી ફી લઈને એક માફિયા જેવું સ્ટ્રક્ચર ચલાવી રહ્યા છે તેનો અમે પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ સરકારે થોડા પગલા લીધા હતા પરંતુ તે ખૂબ જ સીમિત પગલા હતા. ફક્ત અમદાવાદ પૂરતા જ કેટલાક પગલાં લેવામાં આવ્યા હતા. પરંતુ આખા ગુજરાતમાં આ રીતના ક્લાસીસ ચાલી રહ્યા છે. સરકારે આવા ક્લાસીસને રોકવા માટે તાત્કાલિક ધોરણે નવા નિયમો બનાવવા પડશે અને યોગ્ય પગલાં લેવા પડશે. નાગરિકો અને બાળકોના હિત માટે આપણે સાથે મળીને આ મુદ્દાને આગળ વધારવાનો છે. સુરત, રાજકોટ, વડોદરા, જામનગર જેવા મોટા શહેરોમાં પણ આ પ્રકારના ક્લાસીસ ચાલે છે, તો સરકારે ત્યાં પણ પગલાં લેવા પડશે.
આ પણ વાંચો : વડોદરા : બુલેટ ટ્રેનના બ્રિજની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના, ક્રેન તૂટતા મજૂરો દટાયા,એકનું મોત, 7 ઇજાગ્રસ્ત
શીતલબેન ઉપાધ્યાયએ શું કહ્યું ?
આમ આદમી પાર્ટીના એજ્યુકેશન સેલના ઉપપ્રમુખ એડવોકેટ શીતલબેન ઉપાધ્યાયએ આગળની વાત રજૂ કરતા કહ્યું કે, આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા સ્ટીંગ ઓપરેશન બાદ અમદાવાદના ટીડીઓ જાગૃત થયા અને પગલા લીધા હતા. આ બાબતને લોકો સુધી લઈ જવા માટે મીડિયા મિત્રોએ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. અમે સરકારને ફરી વખત કહેવા માગીએ છીએ કે તમે તમારી ફરજ પૂરી કરો અને શિક્ષણ જગતમાં જે માફિયા રાજ શરૂ થયું છે તેને રોકો. અમે સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગના લોકોને જણાવવા માંગીએ છીએ કે જો સરકાર પોતાની આ ફરજ પૂરી કરવામાં ચૂકશે અને આવનારા પંદર દિવસમાં આવા ક્લાસીસ પર એક્શન નહીં લો, તો આમ આદમી પાર્ટી આવા ક્લાસીસ પર તાળાબંધી કરશે.
પંદર દિવસ બાદ એક્શન નહીં લેવાય તો આમ આદમી પાર્ટી તાળાબંધી કરશે
આ પંદર દિવસ બાદ જો સરકાર દ્વારા એક્શન ના લેવામાં આવ્યા તો ફક્ત અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ ક્લાસીસ ઉપર આમ આદમી પાર્ટી તાળાબંધી કરશે, આ કરવા માટે ભલે અમને જેલમાં મોકલવામાં આવે પરંતુ આ બાબત પર લડત આપવા માટે તૈયાર છીએ.
આ પણ વાંચો : સ્કૂલમાં મોબાઇલ વાપરતા શિક્ષકો હવે ચેતી જજો ! અમદાવાદના ડીઇઓએ જાહેર કર્યો પરિપત્ર