ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદિવાળી

રાજ્યના પોલીસ કર્મચારીઓની દિવાળી સરકારે સુધારી, 538 ASI બનશે PSI

Text To Speech
  • રાજ્ય સરકારના ગૃહ વિભાગે ASIમાંથી PSI પ્રમોશનને મંજૂરીની મહોર મારી છે
  • આજે 538 ASIને PSIનું પ્રમોશન આપવામાં આવ્યું છે
  • સરકારે હંગામી ધોરણે શરતોને આધિન આ પ્રમોશન આપ્યું છે

ગુજરાત: રાજ્ય સરકારે ગુજરાત પોલીસની દિવાળી સુધારી છે. છેલ્લા કેટલાક સમયથી ASIમાંથી PSIના પ્રમોશનની વાતો ચાલી રહી હતી. તેમાં આજે સરકાર દ્વારા ASIમાંથી PSI પ્રમોશનને મંજૂરી આપવામાં આવી છે. આજે 538 બિન હથિયારી ASIને PSIનું પ્રમોશન આપવામાં આવ્યું છે. હવે તેઓ અલગ અલગ જગ્યાએ PSI તરીકે ફરજ બજાવશે. થોડા સમય પહેલા પણ હેડ કોન્સ્ટેબલમાંથી ASIનું પ્રમોશન આપવામાં આવ્યુ હતું. હાલમાં પોલીસ ખાતામાં PSIની ઘટ છે. સરકારના આ નિર્ણયથી રાજ્યને 538 નવા PSI મળશે.

બિન હથિયાર ASIમાંથી બિનહથિયારી PSI વર્ગ-3 ની ખાલી જગ્યાઓ ખાતાકીય બઢતીથી ભરવાની બાબતને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર વર્ગ-૩ની ૫૩૮ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે બઢતીથી ભરવાની નીચેની શરતોને આધિન મંજુરી આપી છે.

– આ બઢતી હાલમાં રાજ્યમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી હોવાથી, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ સધન કરવાના હેતુથી આ જગ્યાઓ ભરવી હિતાવહ હોવાના કારણે હાલમાં સિનિયર ASI બઢતી માટે લાયક ન થાય ત્યાં સુધી નિયત લાયકાત ધરાવતા જુનિયર ASIઓને શરતી અને હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે.

– સિનિયર ASI કર્મચારીઓ ખાતાકીય પરિક્ષા માટે લાયક બને કે તરત જ તેઓની ખાતાકીય પરીક્ષાનું આયોજન કરવાનું રહેશે અને તેઓ બઢતી માટે લાયક ઠરે ત્યારે Last Come First Out સિદ્ધાંત મુજબ સૌથી જુનિયર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરને ASI સંવર્ગમાં રિવર્ટ કરવાના રહેશે.

– બઢતી આપતી વખતે હાલમાં નામદાર હાઈકોર્ટ સમક્ષ ન્યાયાધિન કોર્ટ કેસોમાં ભવિષ્યમાં સિનિયોરિટી બાબતે કે અન્ય જોઈ સેવા વિષયક બાબતે વહીવટી ગૂંચ કે કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે અંગે પૂરતી કાળજી રાખવાની રહેશે.

– બઢતીથી નિમણૂક આપવા અંગે ભરતી નિયમો મુજબ રેશિયો જાળવવા અને અનામત અંગેના નિયમો તથા રોસ્ટર અંગેના પ્રવર્તમાન નિયમોની ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

 આ પણ વાંચો, બનાસકાંઠા: ભાઈ બીજના દિવસે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ

Back to top button