કર્ણાટકમાં ભાષા વિવાદ, કન્નડમાં સાઈનબોર્ડ રાખવા સરકારનો આદેશ
બેંગલુરુ (કર્ણાટક) 26 ડિસેમ્બર: કર્ણાટકમાં ફરી એકવાર ભાષાને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. બેંગલુરુ મહાપાલિકાએ નિર્દેશ બહાર પાડ્યો છે કે, હવે તમામ દુકાનોના સાઈનબોર્ડ પર ઓછામાં ઓછું 60% લખાણ કન્નડમાં હોવું જોઈએ. આ નિર્દેશ બાદ કર્ણાટકમાં ફરી એકવાર હિન્દી V/s કન્નડ વચ્ચે વિવાદ શરૂ થયો છે. બ્રુહત બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ કમિશનર તુષાર ગિરી નાથે કહ્યું છે કે જો નાગરિક સંસ્થાના અધિકારક્ષેત્ર હેઠળના કોમર્શિયલ સ્ટોર્સ સાઈનબોર્ડના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ જશે તેમની સામે કાનૂની કાર્યવાહી કરાશે.
28 ફેબ્રુઆરી સુધીનો સમય છે
કર્ણાટક રક્ષા વેદિકે (KRV) સાથેની બેઠકને સંબોધિત કરતા તુષાર ગિરી નાથે જણાવ્યું હતું કે, શહેરમાં 1400 કિમીના મુખ્ય અને પેટા મુખ્ય રસ્તા છે અને આ રસ્તાઓ પરની તમામ કોમર્શિયલ દુકાનોનો વિસ્તાર મુજબ સર્વે કરવામાં આવશે. સર્વે બાદ એ દુકાનોને નોટિસ પાઠવવામાં આવશે જેમાં 60% કન્નડ ભાષાનો ઉપયોગ કર્યો ન હોય. નોટિસ જારી કર્યા પછી, તેમને કન્નડ ભાષાની નેમપ્લેટ લાગુ કરવા અને સંબંધિત ઝોન કમિશનરોને નિયમોનું પાલન કરવા માટે 28 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવશે.
28 ફેબ્રુઆરી સુધીમાં કન્નડ નેમપ્લેટ ન લગાવનાર દુકાનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ મુજબ નેમપ્લેટ પર કન્નડ ભાષાનો ઉપયોગ નહીં કરનારા દુકાનદારોને કાયદા મુજબ સસ્પેન્ડ કરવામાં આવશે અને પછી તેમના લાઇસન્સ રદ કરવામાં આવશે.
અગાઉ CMએ કન્નડ ભાષા પર ભાર મૂક્યો હતો
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ઓક્ટોબરમાં કહ્યું હતું કે રાજ્યમાં રહેતા દરેક વ્યક્તિએ કન્નડ બોલતા શીખવું જોઈએ. આ પછી ભાષા વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, આપણે બધા કન્નડ છીએ. કર્ણાટકના એકીકરણથી વિવિધ ભાષાઓ બોલતા લોકો આ કન્નડ ભૂમિમાં સ્થાયી થયા છે. આ રાજ્યમાં રહેતા તમામ લોકોએ કન્નડ બોલતા શીખવું જોઈએ.
આ પણ વાંચો: કેરળમાં કોરોનાનો હાહાકાર, કર્ણાટકમાં પણ એલર્ટ જાહેર