અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

સરકારની જાહેરાતઃ સાઉન્ડ લિમિટર વિનાના ડિજે ટ્રક અને સાઉન્ડ સિસ્ટમ પર પ્રતિબંધ

અમદાવાદ, 29 માર્ચ 2024, ગુજરાત હાઇકોર્ટને ગૃહ વિભાગ તરફથી રજૂ કરાયેલ એફિડેવિટમાં જાણકારી આપવામાં આવી હતી કે, રાજયના તમામ પોલીસ સત્તાવાળાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનો, નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોને તા.૩-૧૨-૨૦૧૯ની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગાઈડલાઈન્સ અને જાહેરનામાનો કડકાઈથી અમલ કરવા નિર્દેશો આપી દેવાયા છે. જેમાં સાઉન્ડ લિમિટર ના હોય તેવા કોઈપણ લાઉડ સ્પીકર, સાઉન્ડ સિસ્ટમના વેચાણ, ઉપયોગ કે તેના ઈન્સ્ટોલેશન પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. સાઉન્ડ લિમિટર વિનાની કોઇપણ સાઉન્ડ સિસ્ટમ કે લાઉડ સ્પીકર કે, મ્યુઝિક સિસ્ટમ-ડી.જે ટ્રક ઉત્પાદકો, ડીલર્સ કે દુકાનદારો કે કોઈ એજન્સી પણ ઉપયોગ, વેચાણ કે ઈન્સ્ટોલ નહીં કરી શકે. એટલું જ નહીં, હાલની પ્રવર્તમાન સાઉન્ડ સીસ્મટમમાં પણ સાઉન્ડ લિમિટર લાગુ કરવા ફરજિયાત બનાવાયું છે.

કાયદાનુસાર પગલાં ભરવા પણ ફરમાન જારી કરી દેવાયું
ગૃહ વિભાગે એફિડેવિટમાં જણાવ્યું છે કે,વાહનોમાં લાઉડ સ્પીકર કે સાઉન્ડ સિસ્ટમ જો સાઉન્ડ લિમિટર વિનાના હશે તો તેની જપ્તીના સીધા આદેશો જારી કરી દેવાયા છે. આવા વાહનો, ડ્રાઇવર કે એજન્સી, ઉત્પાદકો, વેચાણકર્તા, ખરીદકર્તા સહિતના સંબંધિત લોકો વિરુદ્ધ કાયદાનુસાર પગલાં ભરવા પણ ફરમાન જારી કરી દેવાયું છે. ગૃહ વિભાગ તરફથી આ સમગ્ર મામલે તા. ૨૧-૩-૨૦૨૪ના રોજ અગત્યનો ઠરાવ પણ જારી કરી દેવાયો છે. ડીજે સિસ્ટમ તેના માલિકો, ઓપરેટરો, ઈવેન્ટ મેનેજર દ્વારા રાજકીય, સામાજિક, ધાર્મિક કે રેલીના હેતુસર જાહેર સ્થળો, પાર્ટી પ્લોટ, ખુલ્લી જગ્યાઓ કે રહેણાંક વિસ્તાર નજીક ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં પણ સિસ્ટમો ભાડે નહી આપવા નિર્દેશ જારી કરાયા છે. જો પોલીસ ઓથોરીટી પાસેથી 7 દિવસ પહેલાં સત્તાવાર મંજૂરી લેવાયેલી હશે તો જ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે.

તમામ પોલીસ સત્તાવાળાઓને નિર્દેશ જારી કરી દેવાયા
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તા.૨૦-૩-૨૦૨૪ના પત્રથી શહેરના તમામ પોલીસ સત્તાવાળાઓને નિર્દેશ જારી કરી દેવાયા છે કે, તા.૩-૧૨- ૨૦૧૯ના સંબંધિત જાહેરનામા અને નોઇઝ પોલ્યુશન રૂલ્સ, અન્વયે તમામ ઉત્પાદકો, ડીલર્સ, વેન્ડર્સ, એજન્સીઓ માટે લાઉડ સ્પીકર કે સાઉન્ડ સિસ્ટમમાં સાઉન્ડ લિમિટ ડિવાઈસ ફરજિયાત રહેશે અને સાઉન્ડ લિમિટ ડિવાઈસ વિનાની કોઇપણ લાઉડ સ્પીકર કે સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ મંજૂરીપાત્ર રહેશે નહીં. અમદાવાદ શહેરમાં કોઈપણ વ્યકિત કોઇપણ એજન્સી પાસેથી લાઉડ સ્પીકર મેળવવાની પ્રક્રિયા હાથ ધરે ત્યારે જો તે લાઉડ સ્પીકર કે સાઉન્ડ સિસ્ટમમાં સાઉન્ડ લિમિટ ડિવાઇસ લગાવાયેલી હોય તો જ તેને લાઇસન્સ મળી શકશે અને તેનું વેરિફિકેશન નજીકના પોલીસ મથકમાં ઇન્ચાર્જ પોલીસ અધિકારી મારફતે કરાવવાનું રહેશે.

250 જેટલા પોલીસ અધિકારીઓને તાલીમ અપાઇ
ગૃહ વિભાગના સોગંદનામામાં વધુમાં જણાવાયું કે, લાઉન્ડ સ્પીકર, સાઉન્ડ સીસ્ટમ કે પબ્લીક એડ્રેસ સીસ્ટમ પર ધ્વનિ પ્રદુષણ નિયંત્રણની લગામ લગાવવા કુલ ૫૩ જેટલા ડિજિટલ સાઉન્ડ લેવલ મીટર નોઇઝ વોલ્યુમ મેઝરીંગ-મોનીટરીંગ ઇનન્સ્ટ્રુમેન્ટ) ખરીદાયા છે અને તે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોને ફાળવાયા છે. આ ડિજિટલ સાઉન્ડ લેવલ મીટરના ઉપયોગ અંગેની તાલીમ અને ડેમો માટેનું ખાસ સત્ર યોજાયું હતું, જેમાં 250 જેટલા પોલીસ અધિકારીઓને તાલીમ અપાઇ હતી.

આ પણ વાંચોઃભાજપને રૂપાલાનું નિવેદન ભારે પડશે? લાઠી સ્ટેટના રાજવી વંશજે બદનક્ષીનો દાવો કર્યો

Back to top button