

આજે કૃષ્ણ મંદિરો આલા રે આલા ગોવિંદા આલા અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નારાઓથી ગુંજી ઉઠ્યા છે. આજે શ્રાવણ વદ આઠમ એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ. દ્વારકા, ડાકોર અને શામળાજી સહીત સમગ્ર ગુજરાતમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભક્તોએ ‘જય શ્રીકૃષ્ણ’ અને ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી’ના નાદ સાથે વ્હાલાના વધામણાં કર્યા. કોરોનાકાળ બાદ બે વર્ષ બાદ જન્માષ્ટમીની સાર્વજનિક ઉજવણી કરવામાં આવી. સમગ્ર ગુજરાતમાં શ્રીકૃષ્ણ મંદિરો હર્ષોલ્લાસ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જન્માષ્ટમીના પગલે લોકો ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે.

વિશ્વપ્રસિદ્ધ દ્વારકા મંદિર, ડાકોરનું રણછોડરાય મંદિર અને શામળાજી મંદિરમાં ભાવિક ભક્તોએ કલાકોની પ્રતીક્ષા બાદ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કર્યા. લાખો ભક્તો દૂર દૂરથી આ મંદિરે આવ્યાં હતા અને બાળગોપાલની એક ઝલક માટે તરસી રહયા હતા. તો સાથે સાથે લોકો ભક્તિમાં લિન થયેલા લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો હતો. દ્વારકાનગરી તો આજે જાણે સ્વર્ગથી પણ ચડિયાતી બની હતી. પૂર્ણ પુરુષોત્તમ, જગદગુરુના વધામણાં કરવા લાખો ભક્તો ઉમટી પડયા હતા, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. માતા-બહેનોએ શ્રીકૃષ્ણના જન્મ પહેલા અને જન્મ બાદ પરંપરાગત ગરબા રમી ઉજવણી કરી.

ડાકોરનું રણછોડરાય મંદિર પણ વિશ્વવિખ્યાત છે. મધ્ય ગુજરાતનું આ દ્વારકાધીશ મંદિર છે. ડાકોર મંદિરે સવારથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. આખો દિવસ ભક્તોની ખુબ ભીડ રહી. ભાવિક ભક્તો રણછોડ રાયના દર્શન કરી ધન્યતા અનુભવી. તો અરવલ્લી જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ શામળાજી મંદિરમાં ભક્તોએ શ્રી શામળશા શેઠ – શ્રી કૃષ્ણના જન્મની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી અને ભગવાન શામળિયાના વધામણાં કર્યા. આ સાથે રાજ્યભરના ઇસ્કોન મંદિરો અને શ્રીકૃષ્ણ મંદિરોમાં ધામધૂમથી શ્રીકૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી.