ગૂજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલનું 1800 વિદ્યાર્થી સાથે સ્વચ્છતા અભિયાન
- ગૂજરાત વિદ્યાપીઠમાં દર મહિને, છેલ્લા શનિવારે, એક કલાક સામૂહિક શ્રમદાનથી સ્વચ્છતા અભિયાન ચાલશે
- સ્વચ્છતાથી ભીતર અને બહાર પવિત્રતા પ્રગટે છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
- સ્વચ્છતા જ સેવા’ અભિયાન અંતર્ગત ‘એક તારીખ-એક કલાક-એક સાથ’ : રાષ્ટ્રવ્યાપી શ્રમદાન મહાઅભિયાનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં એક કલાક સાફ-સફાઈ કરી : વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
- ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં ૧,૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપકોએ એક કલાક સાફ-સફાઈ કરીને ‘સ્વચ્છાંજલી’ અર્પણ કરી
રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, હવેથી ગૂજરાત વિદ્યાપીઠમાં દર મહિને, છેલ્લા શનિવારે, એક કલાક સામૂહિક શ્રમદાનથી સ્વચ્છતા અભિયાન ચાલશે. ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠ આદર્શ બને, લોકો જોવા આવે કે, સ્વચ્છતા હોય તો વિદ્યાપીઠ જેવી. આદર્શ હો તો વિદ્યાપીઠ જેવા… આ પ્રકારે શ્રમદાન કરવા તેમણે વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપકોને અનુરોધ કર્યો હતો.
‘સ્વચ્છતા જ સેવા’ અભિયાન અંતર્ગત ‘એક તારીખ-એક કલાક-એક સાથ’ : રાષ્ટ્રવ્યાપી શ્રમદાન મહાઅભિયાન અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં ૧,૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપકો સાથે એક કલાક સાફ-સફાઈ કરીને મહાત્મા ગાંધીજીને ‘સ્વચ્છાંજલી’ અર્પણ કરી હતી. પૂર્વ મંત્રી અને ગુજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગુજરાત વિદ્યાપીઠ મંડળના મહામંત્રી શ્રી ડૉ. હર્ષદ પટેલ પણ શ્રમદાન મહાઅભિયાનમાં જોડાયા હતા.
આ અવસરે શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ગાંધીબાપુએ આપેલા ‘સ્વાવલંબી ભારત’ના સૂત્રને આજે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ‘આત્મનિર્ભર ભારત‘ થકી પૂરું કરી રહ્યા છે. આજે ભારતની વિકસિત દેશોમાં ગણના થવા લાગી છે. અમૃતકાળનો લાભ આજના યુવાનોને ભવિષ્યમાં ચોક્કસથી મળવાનો છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનું અર્થતંત્ર ૧૦માથી પાંચમાં ક્રમે આવી ગયું છે અને આવનારા સમયમાં ભારત વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બનશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કરોડો લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે.
આ પણ વાંચોઃ ગાંધીનગરથી દિલ્હી સુધી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા ભાજપ-એનડીએના નેતાઓ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સ્વચ્છતાથી પવિત્રતા આવે છે, ભીતર અને બહાર પવિત્રતા પ્રગટે છે. જેના મનમાં ગંદકી હશે તો તે બહાર પણ ગંદકી ફેલાવશે. સ્વચ્છતા આપણી સામૂહિક જવાબદારી છે, તેનું ચુસ્તપણે પાલન કરીએ.
ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં આજે વિદ્યાર્થી ભાઈ-બહેનો, અધ્યાપકો, ટ્રસ્ટી મંડળના સભ્યો, વિવિધ ફેકલ્ટીના વડાઓ ‘એક તારીખ-એક કલાક-એક સાથ’ : શ્રમદાન મહાઅભિયાનમાં જોડાયા હતા. ગુજરાત વિદ્યાપીઠના રાંધેજા અને સાદરા પરિસરમાં પણ શ્રમદાન અભિયાન હાથ ધરાયું છે. ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં આજે અને આવતીકાલે; બે દિવસ સુધી સામૂહિક સ્વચ્છતા અભિયાન ચાલશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાપીઠના છાત્રો અને વ્યવસ્થાપકોને આહ્વાન કર્યું હતું કે, આપણે એવું પરિસર બનાવીએ કે, બહારના લોકો વિદ્યાપીઠની સ્વચ્છતા જોવા આવે. તેમણે વિદ્યાર્થી ભાઈ-બહેનોને પોતાના છાત્રાલયના રૂમો સુવ્યવસ્થિત અને હંમેશા સ્વચ્છ રાખવાની શિખામણ આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને સંકલ્પ લેવડાવ્યો હતો કે, “ન તો હું ગંદકી કરીશ, ન હું ગંદકી ફેલાવવા દઈશ.” વિદ્યાર્થીઓએ પણ હોશભેર સંકલ્પ લીધો હતો. તેમણે સૌને પ્રમાણિકતાપૂર્વક શ્રમદાન કરવાનો અનુરોધ કરતાં કહ્યું કે, પરિણામલક્ષી શ્રમદાનથી મન અને આત્મા પ્રસન્ન થશે અને તો વિચારો પણ પવિત્ર બનશે.
આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી શ્રી અને ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, પૂજ્ય બાપુએ ૧૧ મહાવ્રત આપ્યા હતા. આઝાદી બાદ સરકારોએ બાપુના આ મહાવ્રતોને મહત્વ ન આપતાં ભારતની છબી બગડી હતી. જો એ વખતે બાપુના આદર્શોનું પાલન થયું હોત તો ભારત દેશ ક્યારનો ‘વિશ્વ ગુરુ’ બની ગયો હોત. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના પ્રથમ ભાષણમાં જ ‘સ્વચ્છ ભારત મિશન’ ઉપાડ્યું હતું, આજે એ અભિયાન વિશ્વવ્યાપી બની ગયું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દુનિયા સમક્ષ સ્વછતાનો વિચાર રજુ કરીને પૂજ્ય બાપુને સાચી સ્વચ્છાંજલી આપી છે.
આ અવસરે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક શ્રી ડૉ. ભરતભાઈ જોશીએ કહ્યું કે, સ્વચ્છતા અભિયાન ગૂજરાત વિદ્યાપીઠમાં અવિરત ચાલુ રહેશે. તેમણે તા. ૧ અને ૨ ઓક્ટોબર દરમિયાન ગુજરાત વિદ્યાપીઠમાં ચાલનારા સ્વચ્છતા અભિયાન વિશે વિગતવાર માહિત આપી હતી. આ પ્રસંગે ટ્રસ્ટી મંડળના સભ્યો, ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.