ગુજરાત

ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલનું સંબોધન, કિસાન સન્માન નિધિ યોજનામાં 64.13 લાખ ખેડૂતોને લાભ

ગાંધીનગર, 1 ફેબ્રુઆરી 2024, આજથી ગુજરાતના અંદાજપત્ર સત્રની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આજ સુધીમાં 15 હપ્તામાં કુલ રૂપિયા 1540780 કરોડની રકમ 64.1 લાખ લાભાર્થી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામાં આવી છે. ખેડૂતોને બાગાયતી પાકો માટે અદ્યતન ટેકનોલોજી પ્રદાન કરવાના હેતુથી રાજ્યમાં અમદાવાદ, જામનગર અને ખેડામાં તથા નર્મદા, પંચમહાલ અને અરવલ્લીમાં નવા સેન્ટર ઓફ એક્સલન્સ નિર્માણ પામી રહ્યા છે.

આર્થિક વિકાસ માટે વીજળી એક મુખ્ય જરૂરી માપદંડ
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદ, ધાનેરા, ડીસા, દિયોદર અને કાંકરેજ તાલુકાઓના ગામોને બે નવી પાઈપલાઇન યોજનાઓની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાથી 15 હજાર હેક્ટર કરતાં વધુ વિસ્તારને સિંચાઈનો લાભ થશે. સરદાર સરોવર નર્મદા યોજનાની વડોદરા, મિયાગામ, સૌરાષ્ટ્ર અને કચ્છ શાખા નહેર ઉપર જુદી જુદી જગ્યાએ લઘુ વીજમથકોના બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ વીજ મથકોથી ૮૫.૪૬ મેગાવૉટ વીજ ઉત્પાદન કરવાનું આયોજન છે. ગુજરાતમાં વર્ષ 2021-22 માં સરેરાશ માથાદીઠ વીજ વપરાશ 2283 યુનિટ હતો, જે વર્ષ 2022-23માં 24.2.49 યુનિટ થયો છે. કોઈપણ રાજ્યના સામાજિક અને આર્થિક વિકાસ માટે વીજળી એક મુખ્ય જરૂરી માપદંડ છે, જે રાજ્યના વિકાસને પ્રતિબિંબિત કરે છે.

આર.ઈ. પ્રોજેક્ટસના વિકાસ માટે જમીન નીતિ-૨૦૨૩ જાહેર
ગુજરાત ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનમાં વૈશ્વિક લીડર તરીકે ઉભરી આવવા માટે સક્ષમ અને તૈયાર છે. તાજેતરમાં ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટે પાવર સપ્લાય કરવા રાજ્ય સરકારે આર.ઈ. પ્રોજેક્ટસના વિકાસ માટે જમીન નીતિ-૨૦૨૩ જાહેર કરી છે અને વિકાસકર્તાઓને ફાળવણી માટે બે લાખ હેક્ટર જેટલી જમીન નિર્ધારિત કરી છે. પરિણામે લગભગ 40 લાખ વાર્ષિક મેટ્રિક ટન ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન ક્ષમતા હાંસલ થશે.વૈશ્વિક કક્ષાના નાણાકીય કેન્દ્ર તરીકે વિકસી રહેલા ગિફ્ટ સિટીમાંથી થતી નિકાસ જે નાણાકીય વર્ષ 2020-21 માં રૂપિયા 3402 કરોડ હતી તે વર્ષ 2022-23માં વધીને રૂપિયા 12325 કરોડ અને નાણાકીય વર્ષ 2023-24 માં ડિસેમ્બર 2023 સુધીમાં રૂપિયા 19317.19 કરોડ થઈ છે.

દસ વર્ષમાં ઘાસના ઉત્પાદનમાં 3.53 ઘણી વૃદ્ધિ
મત્સ્યોધ્યોગ પ્રવૃત્તિ ને વેગ આપવા માટે રૂપિયા 1300 કરોડના ખર્ચે વેરાવળ, માઢવાડ અને સુત્રાપાડામાં મત્સ્ય બંદરો વિકસાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે જિલ્લામાં પેન્શનરોની સંખ્યા વધુ છે એવા જિલ્લાઓમાં પેન્શનરોને હાલાકી ન પડે તે માટે પેન્શન ચૂકવવાના કચેરી અલગ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને સુરત જિલ્લાઓમાં અલગ પેન્શન ચૂકવવાના કચેરી શરૂ કરવામાં આવી છે. વડોદરા, આણંદ, જામનગર, ભરૂચ અને વ્યારામાં કાર્યરત સરકારી ગ્રંથાલયોને ‘સ્માર્ટ ગ્રંથાલય’ તરીકે વિકસાવવાની કામગીરી અને રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલય, ગાંધીનગરના આધુનિકરણની કામગીરી પ્રગતિ હેઠળ છે. રાજ્ય સરકારના ઘાસ સુધારણા કાર્યક્રમથી ઘાસ ઉત્પાદનમાં અકલ્પનીય સિદ્ધિ મળી છે. છેલ્લા દસ વર્ષમાં ઘાસના ઉત્પાદનમાં 3.53 ઘણી વૃદ્ધિ હાંસલ થઈ છે.

આ પણ વાંચોઃકચ્છમાં એક જ સપ્તાહમાં બીજીવાર ભૂકંપનો આંચકો, કેન્દ્ર બિંદુ ખાવડાથી 30 કિમી દૂર નોંધાયું

Back to top button