ટોપ ન્યૂઝબિઝનેસ

19 દિવસમાં સરકારનો યુ-ટર્ન, પેટ્રોલિયમ ઉત્‍પાદનોની નિકાસ પર ટેક્‍સ ઘટાડ્યો, કોને થશે ફાયદો ?

Text To Speech

વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ઘટાડાને જોતા સરકારે પેટ્રોલિયમ ઉત્‍પાદનોની નિકાસ પર તાજેતરમાં લાદવામાં આવેલા ટેક્‍સ (વિનફોલ ટેક્‍સ)માં ઘટાડો કર્યો છે. સરકારે માત્ર ત્રણ અઠવાડિયા પહેલા જ ડીઝલ, પેટ્રોલ અને એવિએશન ફયુઅલ (ATF) ની નિકાસ પર વિન્‍ડફોલ ટેક્‍સ લાદ્યો હતો. પેટ્રોલિયમ ઉત્‍પાદનોની સૌથી મોટી ભારતીય નિકાસકાર રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ (RIL) સહિત ONGC જેવી સરકારી તેલ કંપનીઓને પણ સરકારના આ નિર્ણયથી ફાયદો થવાનો છે.

ક્રૂડ ઓઈલની કિંમતમાં સતત વધારાને ધ્‍યાનમાં રાખીને સરકારે ત્રણ સપ્તાહ પહેલા પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ઈંધણ પર નિકાસ ડ્‍યુટી વધારવાનો નિર્ણય લીધો હતો. સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્‍યારે સ્‍થાનિક રિફાઈનરી કંપનીઓ ડીઝલ, પેટ્રોલ અને એટીએફની નિકાસ કરીને મોટો નફો કમાઈ રહી છે. સરકારે પેટ્રોલ અને એટીએફની નિકાસ પર પ્રતિ લિટર 6 રૂપિયા ડ્‍યૂટી વધારી હતી. એ જ રીતે ડીઝલની નિકાસ પરની ડ્‍યુટીમાં 13 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્‍યો છે. આ સિવાય સરકારે એક અલગ નોટિફિકેશનમાં જણાવ્‍યું હતું કે સ્‍થાનિક ક્રૂડ ઓઈલ પર પ્રતિ ટન રૂ. 23,230નો વધારાનો ટેક્‍સ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

સરકારના તાજેતરના નોટિફિકેશન અનુસાર, ડીઝલ અને એવિએશન ફયુઅલ પર વિન્‍ડફોલ ટેક્‍સમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્‍યો છે. તે જ સમયે, પેટ્રોલના કિસ્‍સામાં, પ્રતિ લિટર 6 રૂપિયાના દરે વિન્‍ડફોલ ટેક્‍સ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્‍યો છે. આ સિવાય સ્‍થાનિક રીતે ઉત્‍પાદિત ક્રૂડ ઓઈલની નિકાસ પરનો ટેક્‍સ લગભગ 27 ટકા ઘટાડીને 17 હજાર રૂપિયા પ્રતિ ટન થઈ ગયો છે.

કેન્‍દ્ર સરકારે 1 જુલાઈથી પેટ્રોલિયમ ઉત્‍પાદનો પર વિન્‍ડફોલ ટેક્‍સ લાદવાની જાહેરાત કરી હતી. ત્‍યારે ઘણા દેશો રિફાઈનરી કંપનીઓ દ્વારા થતા જંગી નફામાં હિસ્‍સો મેળવવા માટે આ કારનો વિન્‍ડફોલ ટેક્‍સ લગાવતા હતા. જોકે ત્‍યારપછી વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ આવી છે. જેના કારણે ક્રૂડ ઓઈલ ઉત્‍પાદક અને રિફાઈનરી કંપનીઓ દ્વારા કરવામાં આવતા નફામાં ઘટાડો થયો હતો. હવે ટેક્‍સમાં ઘટાડો થવાથી આવી કંપનીઓને રાહત મળશે. જેના કારણે આ કંપનીઓના શેરમાં આજે ઉછાળો જોવા મળી શકે છે.

Crude-oil- Windfall tax 01

આનાથી ફાયદો કોને થશે?

સરકારના તાજેતરના નિર્ણયથી પેટ્રોલ-ડીઝલ જેવા રિફાઈન્ડ ઈંધણની નિકાસ કરનારી કંપનીઓને ભારે ફાયદો થશે. તેમાં સરકારી તેલ કંપનીઓની સાથે ખાનગી ક્ષેત્રની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો પણ સમાવેશ થાય છે. તે સિવાય રોજનેફ્ટની કંપની નાયરા એનર્જીને પણ ફાયદો થશે. આ બંને કંપનીઓ મળીને આશરે 85 ટકા ઈંધણની નિકાસ કરે છે. ફેબ્રુઆરીમાં યુક્રેન પર રશિયાના હુમલા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળ્‍યો હતો. જો કે, બાદમાં સમગ્ર વિશ્વમાં આર્થિક મંદીની આશંકા વધુ ઘેરી બનવાને કારણે ક્રૂડ ઓઈલને અસર થઈ હતી અને જૂનના બીજા સપ્તાહથી તેના ભાવમાં નરમાઈ શરૂ થઈ હતી. આનાથી અન્‍ય દેશોને સ્‍થાનિક રીતે ઉત્‍પાદિત ક્રૂડ ઓઈલ વેચીને થયેલા લાભને પણ મર્યાદિત કર્યો.

Back to top button