ખેતીની જમીનના દસ્તાવેજની નોંધણી માટેની અલગ વ્યવસ્થા બંધ કરવા સરકારનો નિર્ણય
ગાંધીનગર, 29 ડિસેમ્બર : ખેતીની જમીનની ખરીદી અને વેચાણ માટેની પ્રક્રિયામાં દસ્તાવેજની નોંધણી માટે સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં અલગથી વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ હવે ખેતી અને બિન ખેતી એમ બંને પ્રકારના દસ્તાવેજોની નોંધણી એક જ સિસ્ટમથી એક જ જગ્યાએ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
સર નિરીક્ષક તરફથી અલગથી જાહેરનામું બહાર પાડવામાં આવશે
ખેતીની જમીનના દસ્તાવેજની નોંધણીની અલગથી વ્યવસ્થા બંધ કરવાના રાજ્ય સરકારના નિર્ણય અનુસંધાને રેવન્યુ વિભાગ તરફથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને હવે આગામી સપ્તાહમાં નોંધણી સર નિરીક્ષક તરફથી અલગથી જાહેરનામું બહાર પાડવામાં આવશે. નવાઝોનની રચના અને ફેરફારની તેમાં વિગતો દર્શાવવામાં આવશે. ખેતીવાડીના દસ્તાવેજો અલગથી નોંધવા માટેની વ્યવસ્થા 2014માં કરવામાં આવી હતી તે હવે બંધ થઈ છે.
અમદાવાદમાં ચાર નવી સબ રજીસ્ટર કચેરીઓ શરૂ થશે
જિલ્લા રજીસ્ટાર કચેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર રાજ્યમાં આગામી એકાદ પખવાડિયામાં આ નવી વ્યવસ્થા અમલમાં આવી જશે. સાથોસાથ અમદાવાદમાં ચાર નવી સબ રજીસ્ટર કચેરીઓ શરૂ કરવામાં આવશે. નવાઝોન ફેરફારનું જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમાં કયા જિલ્લામાં કયા તાલુકા અને ગામનો સમાવેશ કરાયો છે તેનો ઉલ્લેખ કરાયો છે.
વિગતો ગુજરાત સરકારના ‘ગરવી’ એપમાં લીંક કરાશે
ફેરફારવાળા ગામોનું નોંધણી સર નિરીક્ષક દ્રારા અલગથી જાહેરનામું બહાર પાડવામાં આવશે. જાહેરનામા બહાર પાડવાની પ્રક્રિયા પૂરી થયા પછી નવા ઝોન ફેરફારને લગતી વિગતો ગુજરાત સરકારના ‘ગરવી’ એપમાં લીંક કરાશે. નવી વ્યવસ્થા અમલમાં આવ્યા પછી સબ રજિસ્ટ્રાર કચેરીના જે ઝોનમાં જે વિસ્તાર આવતો હશે ત્યાં ખેતી અને બિનખેતી એમ બંને પ્રકારના દસ્તાવેજોની નોંધણી કરશે.
ચાર ઝોનમાં એઆઈજી ઓફિસરો નિમાયા
જંત્રીના ભાવ વધારા પછી દસ્તાવેજની નોંધણીની પ્રક્રિયા વધુ ઝડપી બને અને પારદર્શિતા આવે તે માટે રાજ્ય સરકારે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત એમ ચાર ઝોન જાહેર કર્યા છે. આ ચારે ચાર ઝોનમાં એડિશનલ ઇન્સ્પેકટર જનરલ ઓફ રજીસ્ટ્રેશનની નવી પોસ્ટ ઉભી કરવામાં આવી છે. રાજકોટ ઝોનમાં આ માટે ડી.જે.વસાવાની નિમણૂક કરવામાં આવી છે. સુરતમાં ડી.એસ.બારડ, વડોદરામાં આર.ડી.ભટ્ટ અને અમદાવાદમાં જે.બી.દેસાઈ નામના અધિક કલેકટર કક્ષાના અધિકારીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે.