ગુજરાતટોપ ન્યૂઝ

ચૂંટણી પહેલા સરકારનો મોટો દાવ, મહેસાણા-આણંદમાં રહેતા બિનમુસ્લિમ શરણાર્થીઓને મળશે ભારતીય નાગરિકતા

Text To Speech

નવી દિલ્હીઃ ગુજરાત ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે.  નાગરિકતા અધિનિયમ, 1955 હેઠળ, ગૃહ મંત્રાલયે ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકત્વ આપવાનો નિર્ણય લીધો છે. આ અંગેની સત્તા જિલ્લા અધિકારીને આપવામાં આવી છે. જો કે મહત્વનું એ છે કે આ નિર્ણય સરકારે વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 (CAA) હેઠળ નથી લીધો.

સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સોમવારે નોટિફિકેશન જાહેર કરી આ માહિતી સામે આવી છે. આ નોટિફિકેશન મુજબ આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 5, કલમ 6 હેઠળ નાગરિકતા આપવામાં આવશે. તેઓને નાગરિકતા નિયમો- 2009ની જોગવાઈઓ અનુસાર ભારતના નાગરિક તરીકે નોંધણી કરાવવાની મંજૂરી આપવામાં આવશે અથવા તેમને દેશના નાગરિકનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

HOME MINISTRY
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સોમવારે નોટિફિકેશન જાહેર કરી આ માહિતી સામે આવી છે.

કલેક્ટર ખરાઈ કરશે
નોટિફિકેશનમાં જણાવાયું છે કે ગુજરાતના બે જિલ્લામાં રહેતા આવા લોકોએ તેમની અરજીઓ ઓનલાઈન સબમિટ કરવાની રહેશે, જે જિલ્લા સ્તરે કલેક્ટર દ્વારા ચકાસવામાં આવશે. અરજી અને તેના પરનો અહેવાલ એક સાથે કેન્દ્ર સરકારને ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે. કલેક્ટર જો જરૂરી જણાય તો અરજદાર નાગરિકતા માટે યોગ્ય છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટે કોઈપણ પ્રકારની તપાસ કરી શકે છે. આ માટે, જો કલેક્ટર સંબંધિત તપાસ એજન્સીને અરજી ઓનલાઈન મોકલે છે, તો એજન્સીએ તેની ખરાઈ કરવી અને તેની ટિપ્પણીઓ સાથે તપાસ પૂર્ણ કરવી જરૂરી બની જાય છે.

વિવાદોમાં રહેલા નાગરિકતા સંશોધન અધિનિયમ, 2019 (CAA) માં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઈ પણ છે. આ અધિનિયમ હેઠળના નિયમો હજુ સુધી સરકાર દ્વારા બનાવવામાં આવ્યા નથી, તેથી અત્યાર સુધી આ હેઠળ કોઈને નાગરિકતા આપવામાં આવી નથી.

Back to top button