- ચાલુ વર્ષે 7 હજાર જગ્યાની ભરતી કરવાનો દાવો
- SCના આદેશથી દરેક રાજ્યની HCએ સરકાર પાસેથી માંગી હતી વિગત
- આગામી સુનાવણી 21 ઓગસ્ટે મુકરર કરાઈ
ગુજરાતમાં સુરક્ષા વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી હોવાનું રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ કબુલ કર્યું છે. પોલીસ વિભાગમાં કુલ 27 હજારથી વધુ જગ્યાઓ ખાલી હોવાનો સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું કર્યું છે. આગામી દિવસોમાં પોલીસ વિભાગમાં મોટેપાયે સુરક્ષાકર્મીઓની ભરતી કરવામાં આવશે તેવું પણ હાઇકોર્ટને જણાવવામાં આવ્યું છે.
SCના આદેશથી દરેક રાજ્યની HCએ સરકાર પાસેથી માંગી હતી વિગત
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દરેક રાજ્યની હાઇકોર્ટે લીધેલી સુઓમોટોમાં પોલીસ વિભાગમાં મહેકમની મંજૂરી સામે કેટલી જગ્યા ખાલી છે? તે અંગેની વિગતો સરકાર પાસે માગવામાં આવી હતી. આ બાબતે સરકારે હાઈકોર્ટ સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં કબૂલાત કરી હતી કે ગુજરાતમાં પોલીસ વિભાગમાં કુલ 27 હજાર અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં 4 હજાર જગ્યા ખાલી છે. આ સાથે સરકારે તેવું પણ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે 7 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
શા માટે રાજ્યની HCને આદેશ કરવો પડ્યો ?
દેશમાં અનેક વખત કોમી તોફાનો અને રમખાણો દરમિયાન ઓછા પોલીસ ફોર્સને લીધે સરકારી મિલકતોને નુકસાન થાય છે અને સાથે અનેક લોકો ઇજાગ્રસ્ત પણ બને છે. આવા બનાવો વાંરવાર ન બને તે માટે સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યની હાઇકોર્ટને આદેશ કર્યો હતો કે, તેમના રાજ્યમાં પોલીસ વિભાગની સ્થિતિ શું છે? મંજૂર મહેકમ સામે કેટલી જગ્યા ખાલી છે? તેની સાચી માહિતી મેળવીને વધુમાં વધુ પોલીસ ફોર્સને નિમણૂક કરવા પણ આદેશ કર્યો હતો સાથે વધુ વિગતો સાથેનું સોગંદનામું કરવા આદેશ આપી આગામી સુનાવણી 21 ઓગસ્ટે મુકરર કરી છે.