સરકાર ‘જુરાસિક પાર્ક’માં 144 લાખના ખર્ચે વિકાસ કરશે, 5D થિયેટર, VR અને હોલોગ્રામનો થશે અનુભવ

Mahisagar News: બાલાસિનોર તાલુકાના રૈયાલી ખાતે આવેલ વિશ્વપ્રસિદ્ધ ડાયનોસોર પાર્ક માં 5D થિયેટર, ડિજિટલ ફોરેસ્ટ, 360 ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી, હોલોગ્રામ, 3D પ્રોજેક્શન, મૂડ લાઈટિંગ જેવી આધુનિક સુવિધાઓ માટે રૂ. 144.46 લાખ ખર્ચ કર્યો છે. આ પાર્ક ભારતના જુરાસિક પાર્ક તરીકે ઓળખાય છે.
રૈયાલી વિકાસના અંગેનો મુદ્દો હાલ ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર 2026-27ના આજે નવમાં દિવસે ગૃહમાં ચર્ચાયો હતો. આ મુદ્દો રજૂ કરતા બાલાસિનોર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય માનસિંહ ચૌહાણે ગૃહમાં પૂછ્યું હતું કે, વિશ્વપ્રસિદ્ધ ડાયનોસોર પાર્કમાં કેવા પ્રકારની સુવિધા સરકાર દ્વારા કરવામાં આવનાર છે? જેના જવાબમાં પર્યટન વિભાગનાં મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ડાયનોસોર મ્યુઝિયમ ખાતે ‘ફેઝ-2’ (Phase-2) અંતર્ગત અનેક અત્યાધુનિક ટેકનોલોજી આધારિત સુવિધાઓ પૂર્ણ કરવામાં આવી છે.
આવનારા દિવસોમાં પ્રવાસીઓ આ રૈયાલી ડાયનાસોર પાર્કમાં 5D થિયેટર અને ડિજિટલ ફોરેસ્ટ, 360 ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટીનો અનુભવ કરી શકે તેવી ગેલેરી તૈયાર થશે. ઉપરાંત એક્સપેરિમેન્ટ લેબોરેટરી અને હોલોગ્રામ જેવી આધુનિક સુવિધા સહિત સેમી-સર્ક્યુલર અને 3D પ્રોજેક્શન મેપિંગ સુવિધા પણ અહીં વિકસાવવામાં આવી રહી છે. આ સુવિધા વધારવા માટે તેમજ આધુનિક સુવિધાઓ વિકસાવવા પાછળ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કુલ રૂ. 144.46 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, રૈયોલીમાં ખાતેના 13 પ્રકારનાં ડાયનાસોરનાં અવશેષો મળ્યા છે. જે બાદ રૈયોલી ખાતે વિકસાવવામાં આવેલ આ ડાયનાસોર પાર્ક હાલ ભારતના જુરાસિક પાર્ક તરીકે ઓળખાય છે. તેમજ રૈયોલીનો આ વિસ્તાર ફોસિલ પાર્કની વિશ્વની બીજા નંબરની સાઈટ તરીકે ઓળખાય છે.
આ પણ વાંચો: હોળી-ધુળેટીના તહેવારોને લઈ ઉત્તર ભારત તરફની ટ્રેનો ભરચક, વેઇટિંગ લિસ્ટ 200 સુધી પહોંચ્યું











