- કેન્દ્ર સરકાર બેંકિંગ નિયમોને સુધારવાની દિશામાં વધુ એક મોટું પગલું ભરવા જઈ રહી છે
નવી દિલ્હી, 9 ઓગસ્ટ: કેન્દ્ર સરકાર બેંકિંગ નિયમોને સુધારવાની દિશામાં વધુ એક મોટું પગલું ભરવા જઈ રહી છે. સરકાર આજે ગુરુવારે લોકસભામાં બેંકિંગ કાયદા (સુધારા) બિલ, 2024 રજૂ કરવા જઈ રહી છે. આ બિલમાં નોમિનીની સંખ્યા વધારવા માટે મહત્વની જોગવાઈ કરવામાં આવી છે, જે મુજબ બેંક ખાતામાં ઉત્તરાધિકારીઓની સંખ્યા વધારીને 4 કરવામાં આવશે, એટલે કે હવે ખાતાધારક પોતાના ખાતામાં 4 લોકોને નોમિની બનાવી શકશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ બેંકિંગ કાયદા (સુધારા) બિલ, 2024 રજૂ કરશે.
બિલને કેન્દ્રીય કેબિનેટે આપી દીધી મંજૂરી
ગયા શુક્રવારે કેન્દ્રીય કેબિનેટે આ બિલને મંજૂરી આપી હતી. જે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1955, બેંકિંગ કંપનીઝ (એક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકિંગ્સ) એક્ટ, 1970 અને બેંકિંગ કંપનીઓ (એક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકિંગ્સ)અધિનિયમ, 1980માં સુધારાનો પ્રસ્તાવ છે.
બેંક ખાતાઓમાં નોમિનીની સંખ્યા વધવા પાછળનું કારણ બેંકોમાં પડેલી દાવા વગરની રકમ છે. હકીકતમાં, માર્ચ 2024 સુધી, બેંકોમાં 78,000 કરોડ રૂપિયા છે જેના પર દાવો કરવા માટે કોઈ નથી. નાણા મંત્રાલય અને સરકાર છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે તણાવમાં છે. આ દાવો ન કરેલા નાણા હકદાર નોમિનીને જાય તે સુનિશ્ચિત કરવા માટે સરકાર આ બેંકિંગ એમેન્ડમેન્ટ બિલ લાવી રહી છે.
એક એકાઉન્ટ માટે ચાર નોમિની
સરકારનું કહેવું છે કે, આ ફેરફારો હેઠળ, કોઈપણ બેંક ખાતા માટે એક કરતા વધુ નોમિની બની શકે છે. નોમિનીની સંખ્યા 4 સુધી થઈ શકે છે, જે અત્યાર સુધી માત્ર એક જ છે. વિધેયકમાં નિયમનકારી અનુપાલન માટે બેંકોની રિપોર્ટિંગ તારીખો દર મહિનાના બીજા અને ચોથા શુક્રવારને બદલે દર મહિનાની 15મી અને છેલ્લી તારીખ નક્કી કરવાની જોગવાઈ પણ છે.
આ ઉપરાંત, વીમા અને HUF ખાતામાંથી પૈસા ઉપાડવા સંબંધિત કાયદાઓ પણ નરમ થવાની અપેક્ષા છે. મળતી માહિતી મુજબ, સક્સેસિવ(Successive) નોમિની અને સાઇમલટેનિયસ (Simultaneous) નોમિનીને પણ આવા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની છૂટ આપવામાં આવશે.
આ પણ જૂઓ: ટેક્સ ચૂકવવાનું બન્યું વધુ સરળ! RBIએ UPI દ્વારા ટેક્સ ચૂકવણીની મર્યાદા વધારી, જાણો વિગતે