કર્ણાટક સરકાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરશે

- કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણીના તેમની સરકારના નિર્ણયનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે “આખરે આપણે બધા હિંદુ છીએ”
કેરળ, 08 જાન્યુઆરી: અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આગામી 22 જાન્યુઆરીએ થશે. આ અવસર પર આખા દેશમાં તેની ઉજવણીની તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે આ અવસર પર કર્ણાટકની સિદ્ધારમૈયા સરકાર પણ રાજ્યભરના તમામ મંદિરોમાં વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવા જઈ રહી છે. આ અંગે કેરળના પ્રવાસે ગયેલા કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ઉજવવાના તેમની સરકારના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે “આખરે આપણે બધા હિન્દુ છીએ”.
કેન્દ્ર પસંદગીયુક્ત અભિગમ અપનાવી રહ્યું છે: ડીકે શિવકુમાર
ડીકે શિવકુમારે કર્ણાટકની કોંગ્રેસ સરકાર દ્વારા રાજ્યભરના મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવા અંગે પત્રકારોના પ્રશ્નના જવાબમાં કહ્યું, “જુઓ, આખરે આપણે બધા હિન્દુ છીએ.” જ્યારે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડે અયોધ્યામાં આયોજિત સમારોહમાં ભાગ ન લેવાનો નિર્ણય કેમ લીધો, ત્યારે તેમણે કહ્યું કે ભાજપ શાસિત કેન્દ્ર આ કાર્યક્રમમાં કોણ હાજરી આપશે તે અંગે પસંદગીયુક્ત અભિગમ અપનાવી રહ્યું છે.
આ ખાનગી મિલકત નથી: શિવકુમાર
રામ મંદિરના પરોક્ષ સંદર્ભમાં શિવકુમારે એમ પણ કહ્યું કે તે કોઈ ખાનગી મિલકત નથી. તેમણે કહ્યું, “ભાજપ નેતાઓની પસંદગીમાં પસંદગીયુક્ત અભિગમ અપનાવી રહી છે. દેશમાં અનેક નેતાઓ અને મુખ્યમંત્રીઓ છે. આ ખાનગી મિલકત નથી, આ જાહેર મિલકત છે. કોઈ ધર્મ અને પ્રતીક કોઈ વ્યક્તિનું નથી.”
- કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણો મળ્યા છે.
22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા
દેશભરના લોકો 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે, કેમકે 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ અયોધ્યા આવી રહ્યા છે. અયોધ્યામાં શ્રી રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે જેની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થવા થઈ રહી છે, આ પ્રાણ પ્રતિષ્ઠામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓ હાજરી આપવાના છે.
આ પણ વાંચો: અયોધ્યાઃ ઉત્તરપ્રદેશ કોંગ્રેસના નેતાઓ 15 જાન્યુઆરીએ રામલલાના દર્શન કરશે