ભારત સરકારે કેનેડા સ્થિત બબ્બર ખાલસાના લખબીરસિંહ લેન્ડાને આતંકવાદી કર્યો જાહેર
- ગૃહ મંત્રાલય દ્વારા ગેરકાનૂની ગતિવિધિઓના કાયદા હેઠળ નિર્ણય લેવામાં આવ્યો
- કેનેડામાં ભારત વિરુદ્ધની આતંકવાદી ગતિવિધિઓ અને હથિયારોની દાણચોરીમાં ગેંગસ્ટર સામેલ
નવી દિલ્હી, 30 ડિસેમ્બર : બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના નેતા અને ગેંગસ્ટર લખબીરસિંહ લેન્ડાને ભારત સરકારના ગૃહ મંત્રાલયે આતંકવાદી જાહેર કર્યો છે. આ નિર્ણય ગેરકાનૂની ગતિવિધિઓના કાયદા હેઠળ લેવામાં આવ્યો છે. કેનેડામાં રહીને ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા અને હથિયારોની દાણચોરીમાં સંડોવણી હોવા બદલ કુખ્યાત ગેંગસ્ટર લખબીરસિંહ લેન્ડાને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.
Canada-based Babbar Khalsa’s Lakhbir Singh Landa declared a terrorist by Ministry of Home Affairs. pic.twitter.com/iz2eNhpxyt
— ANI (@ANI) December 30, 2023
મૂળ પંજાબના તરનતારન જિલ્લાનો રહેવાસી લખબીરસિંહ લેન્ડા હાલમાં કેનેડાના આલ્બર્ટાના એડમોન્ટનમાં રહે છે. તે ખાલિસ્તાન તરફી પ્રવૃતિઓમાં મોટા પ્રમાણમાં સંડોવાયેલો છે, જે બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAમાં તેની સામે તપાસ શરૂ કરવામાં આવી હતી.
લેન્ડાએ પાકિસ્તાનથી ભારતમાં હથિયારોની દાણચોરીનો મુખ્ય આર્કિટેક્ટ
ગૃહ મંત્રાલયે શુક્રવારે એક નોટિફિકેશન જારી કરીને આ નિર્ણયની જાણકારી આપી છે. આ સૂચના અનુસાર, લેન્ડા પાકિસ્તાનથી ભારતમાં હથિયારો અને IED ઉપકરણોની દાણચોરીનો મુખ્ય સુત્રધાર છે. NIA તેની સામે ઘણા કેસ નોંધી ચૂકી છે. લાંડા 9 મે, 2022ના રોજ પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG) હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ છે. પંજાબ પોલીસ અને NIAએ આ મામલે તેની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જો કે તે કેનેડામાં છુપાયો હોવાના કારણે તેની ધરપકડ કરવામાં સફળતા મળી નથી.
કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓનો પણ માસ્ટર માઈન્ડ
લખબીરસિંહ લેન્ડા કેનેડામાં ખાલિસ્તાન તરફી તત્વો (PKE) સાથે પણ સંકળાયેલો છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, લેન્ડા પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે સરહદ પારથી વિવિધ મોડ્યુલને ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED), હથિયારો, અત્યાધુનિક હથિયારો, વિસ્ફોટકો સપ્લાય કરે છે. પંજાબની સાથે તે દેશના વિવિધ ભાગોમાં પણ આતંકવાદી મોડ્યુલ તૈયાર કરે છે. તેમાં ખંડણી, હત્યા, બ્લાસ્ટ, ડ્રગ્સ અને હથિયારોની દાણચોરીનો પણ સમાવેશ થાય છે. 2021માં લેન્ડા વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો. NIAએ તેના પર ઈનામ પણ જાહેર કર્યું છે.
NIA દ્વારા 10 લાખ રૂપિયા ઈનામની રકમ રાખવામાં આવી
સપ્ટેમ્બરમાં, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) ના પાંચ આતંકવાદીઓ વિશે માહિતી આપવા બદલ રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી હતી, જેમાં કેનેડા સ્થિત આતંકવાદી લખબીરસિંહ લેન્ડા અને પાકિસ્તાન સ્થિત હરવિંદરસિંહ રિંદાનો સમાવેશ થાય છે. એજન્સીએ લેન્ડા અને રિંદા વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. આ સિવાય પરમિંદરસિંહ કૈરા ઉર્ફે પટ્ટુ, સતનામ સિંહ ઉર્ફે સતબીરસિંહ અને યાદવિંદરસિંહ પર 5-5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ તમામ લાંડાના સહયોગી છે.
આ પણ જુઓ :‘આશા છે કે કેનેડા ભારત વિરોધી તત્વો સામે કાર્યવાહી કરશે’; ટ્રુડોના નિવેદન ઉપર ભારતનો વળતો જવાબ