ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મસાલામાં કાર્સિનોજેનિક કેમિકલના ઉપયોગ સામે સરકારે જારી કરી માર્ગદર્શિકા

Text To Speech
  • સિંગાપોર સહિત અમુક દેશોએ ભારતીય મસાલાની આયાત ઉપર પ્રતિબંધ મૂક્યા બાદ સરકાર જાગી

નવી દિલ્લી, 11 મે: મસાલા બોર્ડે નિકાસકારોને ભારતમાં આયાત થતા ઉત્પાદનોમાં કાર્સિનોજેનિક કેમિકલ ઇથિલિન ઓક્સાઇડ એટલે કે ETOનો ઉપયોગ રોકવા માટે વ્યાપક માર્ગદર્શિકા જારી કરી છે. તાજેતરમાં સિંગાપોર સહિત કેટલાક દેશો દ્વારા ભારતીય મસાલા ઉત્પાદનોની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરતાં અને આયાત ઉપર પ્રતિબંધ મૂક્યા બાદ ભારત સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

માર્ગદર્શિકા મુજબ, નિકાસકારોએ જંતુનાશક તરીકે અથવા અન્ય કોઈપણ સ્વરૂપમાં મસાલામાં ETO કેમિકલનો ઉપયોગ ટાળવો પડશે. આ સાથે, તેઓએ ખાતરી કરવી પડશે કે પરિવહન, સંગ્રહ, વેરહાઉસ, પેકેજિંગ સામગ્રીના સપ્લાયર કોઈપણ તબક્કે આ રસાયણનો ઉપયોગ કરતા નથી.

મસાલામાં ETO ના ઉપયોગ પર પ્રતિબંધ
મસાલા ઉત્પાદનોમાં ETOની ગેરહાજરી સુનિશ્ચિત કરવા નિકાસકારોએ પર્યાપ્ત પગલાં લેવા પડશે.

ETO ટેસ્ટ કરાવવાનો રહેશે
નવ પાનાની માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, “નિકાસકારોએ કાચો માલ, પ્રોસેસિંગ એડ્સ, પેકેજિંગ સામગ્રી અને તૈયાર માલમાં ETO માટે પરીક્ષણ કરવું પડશે.” જો સપ્લાય ચેઇનના કોઈપણ તબક્કે ETO મળી આવે, તો નિકાસકારો સામે પગલાં લેવાશે. આ માર્ગદર્શિકા હોંગકોંગ અને સિંગાપોર દ્વારા લોકપ્રિય મસાલા બ્રાન્ડ્સ માટે જારી કરવામાં આવી છે જેમાં MDH અને એવરેસ્ટના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે. તેમના ઉત્પાદનોમાં કાર્સિનોજેનિક કેમિકલ ઇથિલિન ઓક્સાઈડ મળી આવ્યા પછી ઉત્પાદનોને સ્ટોર્સમાંથી પાછા લવાયા છે. નાણાકીય વર્ષ 2023-24માં, ભારતની મસાલાની નિકાસ કુલ USD 4.25 બિલિયન હતી, જે વૈશ્વિક મસાલાની નિકાસના 12 ટકા છે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં આંધીએ વેર્યો વિનાશઃ 3નાં મૃત્યુ, 23 ઘાયલ, સેંકડો વૃક્ષો ધરાશાયી

Back to top button