શું લગ્નમાં ગીતો વગાડવું એ કોપીરાઈટ કાયદાનું ઉલ્લંઘન? સરકારે સ્પષ્ટતા જાહેર કરી
HD ન્યુઝ ડેસ્કઃ સરકારે લગ્નોમાં વગાડવામાં આવતા ગીતો અંગે સ્પષ્ટતા જાહેર કરી છે. સરકારે કહ્યું છે કે આ ગીતો પર કોઈ રોયલ્ટીની માંગ કરી શકે નહીં. આ કોપીરાઈટ કાયદાનું ઉલ્લંઘન નથી. વાસ્તવમાં, આ વાત એવા સમયે સામે આવી છે જ્યારે સરકારને લગ્નોમાં વગાડવામાં આવતા ગીતો પર રોયલ્ટીની માંગ કરવામાં આવતી હોવાની ફરિયાદો મળી રહી છે. હવે સરકાર તરફથી નોટિસ જારી કરીને સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો છે.
રોયલ્ટી અંગે ફરિયાદોઃ સરકારે સોમવારે સ્પષ્ટતા કરી હતી કે આવી પ્રવૃત્તિઓ માટે કોઈ રોયલ્ટી લઈ શકે નહીં. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) એ જાહેર નોટિસમાં આ તમામ બાબતો કહી છે. જાહેર નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે કોપીરાઈટ એક્ટ 1957ની કલમ 52 (1) (ZA) ની વિરુદ્ધ, સામાન્ય લોકો તરફથી લગ્ન ગીતો પર રોયલ્ટી અંગે ફરિયાદો મળી હતી.
રોયલ્ટી માંગી શકાતી નથીઃ ડીપીઆઈઆઈટીએ જણાવ્યું હતું કે કેટલાક કાર્યો કોપીરાઈટનું ઉલ્લંઘન કરતા હોવાનું માનવામાં આવતું નથી. 1957ની કલમ 52 (1) (ZA) હેઠળ ધાર્મિક સમારંભો, સત્તાવાર સમારંભો, થિયેટર અને કોરલ પર્ફોર્મન્સ અથવા ધ્વનિ રેકોર્ડિંગની પરવાનગી છે. આ તમામ કૃતિઓ કોપીરાઈટ ઉલ્લંઘનના દાયરામાં આવતી નથી. આવી સ્થિતિમાં આ માટે રોયલ્ટી માંગવી ખોટું છે.
કાનૂની કાર્યવાહી ન થાયઃ નોટિસમાં સ્પષ્ટતા કરતા DPIITએ કહ્યું કે લગ્ન અને તેનાથી સંબંધિત અન્ય સામાજિક કાર્યો ધાર્મિક સમારોહ હેઠળ આવે છે. આવી સ્થિતિમાં લગ્નમાં સંગીત વગાડવું એ કોપીરાઈટ કાયદાનું ઉલ્લંઘન છે એમ કહી શકાય નહીં. આ સાથે ડીપીઆઈટીએ એમ પણ કહ્યું કે આને ધ્યાનમાં રાખીને કોપીરાઈટ સોસાયટીએ કાયદાની કલમ 52 (1) (ZA)નું ઉલ્લંઘન કરવાથી બચવું જોઈએ જેથી કોઈ કાનૂની કાર્યવાહી ન થાય.
આ પણ વાંચોઃપાકિસ્તાનના મંદિરમાંથી મળી હિન્દુ બાળકીની લાશ, ખેતરમાંથી મળી યુવકની લાશ