ગુજરાત હાઈકોર્ટની ફટકાર છતાં રાજ્યમાં રખડતા ઢોરોની સમસ્યા જોવા મળી રહી છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં રખડતા ઢોરની અડફેટથી થતા મૃત્યુમાં સતત વધારા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે અવાર નવાર રજૂઆત કરવા છતા તેનો કોઈ નિકાલ આવ્યો ન હતો ત્યારે આ બાબતે હાઈકોર્ટે અગાઉ પણ રાજ્ય સરકારને ટકોર કરી હતી, ત્યારે હાઈકોર્ટની ટકોર બાદ હવે સરકાર જાગી છે અને રખડતા ઢોરને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
રખડતા ઢોર અંગે સરકારની ગાઈડલાઈન જાહેર
હાઇકોર્ટ દ્વારા પણ સતત ઉધડો લેવાતા રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં પશુઓના ત્રાસને અંકુશમાં લેવા માટે નવી સૂચિત માર્ગદર્શિકા-2023 જાહેર કરી છે. હાઇકોર્ટની વારંવાર ફટકાર બાદ આખરે રાજ્ય સરકારે મહાનગર પાલિકા અને નગર પાલિકામાં ઢોર રાખવા અને રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે કડક નિયમો જાહેર કર્યા છે. જેમાં મનપા અને નપામાં ઢોર રાખવા માટે પશુપાલકે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તેમજ ઢોર રસ્તા પર રખડતા દેખાશે તો તેના માલિક પાસેથી 1000થી લઇ 10000 રૂપિયા સુધીનો દંડ વસૂલવાની પણ જોગવાઇ કરવામાં આવી છે.જેમાં ગાય-ભેંસ – વાછરડાં, ઘોડા -ગધેડા જેવા રખડતા પશુઓ માટે અલગ-અલગ દંડની રકમ નક્કી કરાઇ છે.
જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવી શકાશે નહીં
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રખડતા ઢોર અંગેની ગાઈડલાઈન મહાનગર પાલિકા તેમજ નગરપાલિકા હદ વિસ્તારમાં કડક પણે માર્ગદર્શિકાનું પાલન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમજ જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જાહેર સ્થળો ઉપર રખડતા ઢોર જોવા ન મળે તે માટે તમામ કાર્યવાહી કરવા આદેશ
રાજ્ય સરકારે શહેરી વિકાસ વિભાગ દ્વારા ઢોર ત્રાસ અંકુશ માટે ગાઇડ લાઇન જારી કરીને જાહેરમાં રોડ-રસ્તા, ફૂટપાથ કે જાહેર સ્થળો ઉપર કોઇપણ સંજોગોમાં રખડતા ઢોર જોવા ન મળે તે માટે તમામ કાર્યવાહી આ માર્ગદર્શિકા મુજબ નીતિ બનાવી કરવા મનપા અને નગરપાલિકાને આદેશ કરવામાં આવ્યો છે.
દૂધાળા પશુઓની હરાજી કરીને તેને શહેરની બહાર મોકલવા સુચના
ઢોર પકડતા વિભાગ CNDC દ્વારા પશુઓને પકડીને ડબ્બામાં પૂરવામાં આવે છે, પરંતુ ઘણી તેને છોડાવવામાં આવતા નથી જેથી દૂધાળા પશુઓની હરાજી કરીને તેને શહેરની બહાર મોકલવા અને જરૂરિયાતમંદ ખેડૂતોને આપવાની મહત્ત્વની બાબતો પણ આ માર્ગદર્શિકામાં સૂચવવામાં આવી છે.
રખડતા પશુને કારણે કોઈ નાગરિકને જાન-માલનું નુકસાન થશે તો દાવો કરી શકાશે
આ સાથે માર્ગદર્શિકામાં સુચવાયું છે કે જો રખડતા પશુને કારણે કોઈ નાગરિકને જાન-માલનું નુકસાન થશે તો તેના માલિક સામે સિવિલ-પોલીસ ફરિયાદ કરીને તેમની સામે નાણાકીય વળતર અને વસૂલાતનો દાવો પણ કરી શકાશે.
આ પણ વાંચો : ગુજરાત: રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે મહત્ત્વની જાણકારી