- નબળી આર્થિક સ્થિતિને સુધારવાના પ્રયાસમાં ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીકાયો
- પેટ્રોલની કિંમત વધીને 275.60 રૂપિયા પહોંચી
- આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવની વધઘટને કારણે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું નાણાં મંત્રાલયનું નિવેદન
ઇસ્લામાબાદ, 16 જુલાઈ : આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાડોશી દેશ પાકિસ્તાનમાં સરકારે સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધાર્યો છે. પહેલાથી જ મોંઘવારીથી ત્રસ્ત જનતા પર આ વખતે પેટ્રોલ બોમ્બ ફોડવામાં આવ્યો છે. દેશની નબળી આર્થિક સ્થિતિને સુધારવાના પ્રયાસમાં પાકિસ્તાનમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનના નાણા મંત્રાલયે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આપી માહિતી
પાકિસ્તાને આગામી પખવાડિયા માટે પેટ્રોલની કિંમત રૂ. 9.99 ($0.036) વધારીને રૂ. 275.60 કરી છે. આ ભાવ આજથી મંગળવારથી લાગુ થશે. પાકિસ્તાનના નાણા મંત્રાલયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી. સરકારે હાઈ સ્પીડ ડીઝલના ભાવમાં પણ રૂ. 6.18નો વધારો કરી ભાવ રૂ. 283.63 કર્યો છે, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવની વધઘટને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નાણા મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “પેટ્રોલ ડીઝલ પર લાગુ થતી ડ્યુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, તે વર્તમાન સ્તર પર જ રહેશે.
આ પણ વાંચો : રેકોર્ડ હાઈને સ્પર્શ્યા બાદ સેન્સેક્સ-નિફ્ટી નજીવા વધારા સાથે બંધ
IMF સાથે સમજૂતી બાદ ગઈકાલે પાકિસ્તાનમાં શેરબજારના બેન્ચમાર્ક રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા
વર્તમાન પખવાડિયામાં ઈંધણના ભાવમાં ફેરફાર એવા સમયે આવ્યો છે જ્યારે પાકિસ્તાન અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ 7 બિલિયન ડોલરમાં 37 મહિનાના લોન પ્રોગ્રામ માટે કરાર પર પહોંચ્યા છે. તેની શરતો હેઠળ દેશમાં કેટલાક કડક પગલાં લેવાના છે, જેથી કથળતી અર્થવ્યવસ્થાને ટેકો મળી શકે. IMF સાથે સમજૂતી બાદ ગઈકાલે સોમવારે પાકિસ્તાનમાં શેરબજારના બેન્ચમાર્ક રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા.
પેટ્રોલિયમ અને વીજળીના ભાવ અતિ ફુગાવાનું સૌથી મોટું કારણ
પેટ્રોલિયમ અને વીજળીના ભાવ પાકિસ્તાનમાં અતિ ફુગાવાનું સૌથી મોટું કારણ છે. પેટ્રોલનો મોટાભાગે પર્સનલ ટ્રાન્સપોર્ટ, નાના વાહનો, રિક્ષા અને ટુ-વ્હીલરમાં ઉપયોગ થાય છે, જ્યારે ડીઝલના ભાવમાં કોઈપણ વધારાને અતિ ફુગાવો ગણવામાં આવે છે કારણ કે તે મોટાભાગે ભારે પરિવહન વાહનો ચલાવવા માટે વપરાય છે. તેના ભાવ વધવાને કારણે શાકભાજી અને અન્ય ખાદ્ય ચીજોના ભાવમાં વધારો થાય છે.
મોંઘવારી વધવાની સેવાઈ રહી છે ભીતિ
ડોનના એક અહેવાલ મુજબ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાને કારણે પાકિસ્તાનના લોકો ફરી એકવાર મોંઘવારી વધવાના ભય હેઠળ છે. સરકારે પેટ્રોલ અને હાઈસ્પીડ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. પહેલેથી જ દેશમાં વીજળીના દરમાં થયેલા જંગી વધારાથી લોટ, દાળ, ચોખા, શાકભાજી અને રોજબરોજની વસ્તુઓ પર મોંઘવારી વધી રહી છે અને તે સામાન્ય લોકોની પહોંચની બહાર બની રહી છે. હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને કારણે ફળ અને શાકભાજીના ભાવમાં હજુ વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે.
આ પણ વાંચો : ખતરનાક તાનાશાહી, વિદેશી ટીવી સિરિયલો જોવા બદલ 30 બાળકોને મૃત્યુની સજા, કિમ જોંગ વિશે મોટો ખુલાસો