ગુજરાત

ફિક્સ વેતન ધરાવતા અને વર્ગ 3ના પોલીસ કર્મચારીઓના વર્ષો જૂનાં પ્રશ્નો ઉકેલવાની મથામણ શરૂ, ચૂંટણીના વર્ષને ધ્યાનમાં રાખીને સરકારની કવાયત

Text To Speech

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે સરકાર દ્વારા પોલીસના પ્રશ્નો ઉકેલવા મથામણ ચાલુ શરૂ કરી દેવાઈ છે. જેથી આગામી દિવસોમાં જ ફિક્સ વેતન ધરાવતા અને વર્ગ 3 ના પોલીસ કર્મચારીઓને વર્ષો જુના મળતા ગણવેશને વોશિંગ, ઈસ્ત્રીના ભથ્થા વધારવામાં આવશે. ગુજરાત પોલીસના પડતર પ્રશ્ર્નોના નિકાલ તેમજ તેમને મળતા વર્ષો જુના ભથ્થાની રકમ વધારવા મામલે ગૃહ વિભાગ તેમજ નાણા મંત્રાલય વચ્ચે સતત બેઠકો ચાલી રહી છે.

રાજ્ય પોલીસમાં ફરજ બજાવતા ફિક્સ વેતનદાર કર્મચારીઓ ઉપરાંત વર્ગ 3ના પોલીસ કર્મચારીઓના અન્ય ભથ્થા વધારવા સહિત વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહ વિભાગે તૈયારી કરી છે. આ સંદર્ભમાં ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે તાજેતરમાં જ ગૃહ વિભાગ અને નાણા વિભાગ વચ્ચે મળેલી બેઠકમાં આર્થિક બોજના મામલે સમીક્ષા કરવામાં આવી હતી. ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓના ગણવેશની સફાઈ તેમજ ગણવેશની ઈસ્ત્રી માટે ઉપરાંત અન્ય મળતા નજીવા ભથ્થા વધારવા ઉપરાંત પોલીસ કર્મચારીઓને રજાના દિવસે કામના મળતા પગાર મુદ્દે પણ ગૃહ અને નાણામંત્રાલય વચ્ચે વિશેષ સમીક્ષા અને લેખાજોખા કરવામાં આવ્યા હતા. સ્વર્ણિમ સંકુલ ખાતે મળેલી ગૃહ અને નાણાં વિભાગોની આ બેઠકમાં પોલીસ કર્મચારીઓના વેતન તેમજ મળવાપાત્ર અન્ય ભથ્થા વધારવા માટે બંને વિભાગોએ સમીક્ષા સાથે તમામ પાસાઓની ચર્ચા કરી અંતિમ નિર્ણય કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોવાના કારણે સરકાર પણ પોલીસ કર્મચારીઓના લાંબા સમયથી અટવાયેલા મુદ્દાઓના નિરાકરણ માટે મોકળું મન રાખી તેમના પડતર પ્રશ્ર્નો અને અન્ય ભથ્થા વધારવા માટે સહમત થાય તેવી શક્યતાઓ છે.

Back to top button