ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે રાજ્ય સરકાર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગબ્બર ખાતે આગામી તા.12 થી તા.16 ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ યોજાનાર છે. આ પરિક્રમા મહોત્સવમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો આવશે. જેને લઈ સરકાર પરીક્રમા માટે એસટી ભાડામાં 50 ટકા રાહત અપાશે અને યાત્રાના 24 કલાકની મર્યાદામા લાભ મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
કોને-કોને આ રાહતનો લાભ મળશે ?
શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત વિશ્વભરમાં બિરાજમાન 51 શક્તિપીઠના એક સાથે દર્શનના લ્હાવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બર પર 12 થી 16 ફેબ્રુઆરી 2023 દરમિયાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પરીક્રમા માટે એસટી ભાડામાં 50 ટકા રાહત અપાશે તેમજ યાત્રાના 24 કલાકની મર્યાદામા લાભ મળશે. લાભ લેવા માટે યાત્રાળુ આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના લોકોને જ આ લાભ મળશે.
ગામેગામ ફરે છે પાંચ શક્તિરથ
ઉલ્લેખનીય છે કે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ ભાવિક ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે પાંચ શક્તિરથ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિત પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જેવા જિલ્લાઓમાં ગામેગામ ફરી રહ્યાં છે અને શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે. આ પરિક્રમા મહોત્સવના પ્રચાર પ્રસાર અર્થે નીકળેલ શક્તિરથ જે પણ ગામમાં પ્રવેશ કરે એ ગામના ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા યાત્રાસંઘો દ્વારા રથનું ભવ્ય સ્વાગત અને સામૈયું કરે છે. તેમજ રથની શોભાયાત્રા અને આરતી જેવા ધાર્મિક પ્રસંગો દ્વારા દરેક માઇભક્તોને પરિક્રમા મહોત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવી રહ્યો છે.