અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં વિકાસની હરણફાળમાં જંગલો ઘટતાં જાય છે. જેના કારણે જંગલી જાનવરો શહેરો અને ગામડાઓ તરફ દોટ મુકી રહ્યાં છે. રાજ્યમાં હિંસક પ્રાણીઓના હૂમલાઓની ઘટનાઓ પણ મોટા પ્રમાણમાં વધી રહી છે.બીજી બાજુ રાજ્યમાં સિંહ અને દીપડાના મૃત્યુ અંગે સરકારે વિધાનસભા સત્રમાં આંકડાઓ રજૂ કર્યાં છે.વિધાનસભાના સત્રમાં સરકારે માહિતી આપી હતી કે, છેલ્લા બે વર્ષમાં 113 સિંહ, 126 સિંહબાળ, 294 દિપડા અને 110 દિપડાના બચ્ચાંના મૃત્યુ થયાં છે.
કોંગ્રેસના સવાલનો સરકારે જવાબ આપ્યો
અમદાવાદ દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારને સવાલ કર્યો હતો કે, 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કેટલા સિંહ, સિંહબાળ, દિપડા અને દિપડાના બચ્ચાંના મૃત્યુ થયાં છે. સરકારે આ પ્રાણીઓના અકુદરતી મૃત્યુને રોકવા માટે કયા પગલાં લીધાં છે. રાજ્ય સરકારે આ સવાલનો લેખિતમાં જવાબ આપતાં કહ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 113 સિંહ, 126 સિંહબાળ,294 દિપડા અને 110 દિપડાના બચ્ચાંના મૃત્યુ થયાં છે. જેમાં સિંહોની વાત કરીએ તો 92 કુદરતી અને 21 અકુદરતી, 118 સિંહબાળના કુદરતી અને 08 સિંહબાળના અકુદરતી મૃત્યુ થયાં છે. બીજી તરફ દીપડાની વાત કરીએ તો 193 દીપડા કુદરતી રીતે તો 101 અકુદરતી રીતે મૃત્યુ પામ્યાં છે. દીપડાના 79 બચ્ચાં કુદરતી તો 31 બચ્ચાં અકુદરતી રીતે મૃત્યુ પામ્યાં છે.
પ્રાણીઓના અકુદરતી મૃત્યુને રોકવા નીચે મુજબના પગલાં હાથ ધરાયા
- સિંહ તથા અન્ય વન્યપ્રાણીઓને બિમારી અકસ્માત વખતે તાત્કાલિક સારવાર માટે વેટરનરી ઓફિસરની નિમણૂંક કરવામાં આવેલ છે
- વન વિભાગ દ્વારા સિંહોના અવર-જવર વાળા વિસ્તારમાં તકેદારી રાખવા માટે વન્યપ્રાણી મિત્રોની નિમણુંક કરવામાં આવેલ છે
- વન્યપ્રાણીઓના રેસ્ક્યુ માટે રેપિડ એક્શન ટીમ તથા રેસ્ક્યુ ટીમની રચના કરવામાં આવેલ છે
- જુદા જુદા સ્થળોએ વન્યપ્રાણી સારવાર કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવેલ છે
- અભ્યારણ્ય વિસ્તારમાંથી પસાર થતા જાહેર માર્ગો પર સ્પીડ બ્રેકરો મુકવામાં આવેલ છે
- લોકજાગૃતિના ભાગરૂપે વન્યપ્રાણી સંરક્ષણમાં સહકાર આપવા માટે જાહેર માર્ગો પર સાઇન બોર્ડ મુકવામાં આવેલા છે
- સિંહ તથા અન્ય વન્યપ્રાણીની હત્યાના કેસમાં વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨હેઠળ ગુનેગારોની સામે નામ. કોર્ટમાં કેસ કરવામાં આવે છે
- વન્યપ્રાણીની હત્યા અટકાવવા ક્ષેત્રિય સ્ટાફ દ્વારા સતત નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવે છે તથા સ્ટાફને વાહન, હથિયાર, વોકીટોકી વગેરે ફાળવવામાં આવેલ છે
- સમયાંતરે પોલિસ વિભાગ, વન વિભાગ અને પી.જી.વી.સી.એલ. વિભાગ દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે
- ગીર બોર્ડર અને તેના આસપાસના રેવન્યુ વિસ્તારોમાં અસુરક્ષિત ખુલ્લા કુવાઓને પેરાપેટ વોલ બાંધી સુરક્ષિત કરવાની કામગીરી વન વિભાગ દ્વારા હાથ ધરાયેલ છે
- અદ્યતન લાયન એમ્બ્યુલન્સ વસાવવામાં આવેલ છે. સક્કરબાગ તથા બરડામાં સાતવિરડા ખાતે કોરેન્ટાઇન ઝોન બનાવવામાં આવેલ છે
- સિંહોને રેડિયો કોલરીંગ કરવામાં આવેલ છે
- સાસણ ખાતે હાઇટેક મોનીટરીંગ યુનિટની સ્થાપના કરવામાં આવેલ છે
- લોકજાગૃતિના કામો કરવામાં આવે છે
- રાજુલા-પીપાવાવ રેલ્વે ટ્રેકની આજુબાજુ ચેઇનલીંક કરવામાં આવેલ છે
- ટ્રેકર્સની નિમણુંક કરવામાં આવેલ છે
- સ્ટાફને તાલિમ આપવામાં આવે છે
આ પણ વાંચોઃવિજાપુરના પૂર્વ MLA સી.જે. ચાવડા 12 ફેબ્રુઆરીએ કેસરીયો ખેસ ધારણ કરશે