કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

બિપરજોય વાવાઝોડાની અસરના પગલે ગુજરાતના પત્રકારોને સાવચેતી દાખવવા સરકારની અપીલ

Text To Speech
  • ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરતા ચેનલના પત્રકારો સલામતી પૂર્વક પોતાનું કામ કરે તેવી સુચના
  • દરિયાઈ વિસ્તારની આસપાસ જીવનું જોખમ ઉભું થાય તેવી કોઈપણ પ્રવૃત્તિ કરવા ઉપર પ્રતિબંધ
  • માહિતી વિભાગની ટિમ સતત અપડેટ આપતી હોય તેની સાથે સંપર્કમાં રહેવા જણાવાયુ
  • સ્થાનિક વહીવટી તંત્રને કામગીરીમાં પૂરતો સહયોગ આપવા વિનંતી કરાઈ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં હાલ બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિ વિકટ બની રહી છે. આગામી ચારથી પાંચ કલાકમાં વાવાઝોડું ગમે ત્યારે કચ્છ વિસ્તારમાં ત્રાટકી શકે છે. ત્યારે આ તમામ પરિસ્થિતિનું રિપોર્ટિંગ કરી લોકો સુધી હકીકત પહોંચાડતા ટીવી ન્યુઝ ચેનલ તથા અખબારના પત્રકારો અને કેમેરામેનની સલામતી માટે રાજ્ય સરકાર સતત ચિંતિત હોય તેઓને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરતી વખતે સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.

પરિપત્ર જાહેર કરવામાં આવ્યો

આ અંગે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તેઓએ વાવાઝોડાની વિકટ પરિસ્થિતિમાં સાવચેતી પૂર્વક રિપોર્ટિંગ કરવા વિનંતી કરી છે. આ ઉપરાંત જે રિપોર્ટર દરિયાકાંઠા વિસ્તારમાં રિપોર્ટિંગ માટે જાય છે તેઓ પોતાનો જીવ જોખમમાં ન મુકે અને સાવચેતી પૂર્વક પોતાની ફરજ બજાવે તેવી અપીલ કરવામાં આવી છે.

સ્થાનિક વહીવટી તંત્રને સહકાર આપે

આ સાથે રાજ્ય સરકારે પત્રકારોને અપીલ કરી છે કે તેઓ આ વિકટ પરિસ્થિતિમાં સ્થાનિક વહીવટી તંત્રને પૂરતો સાથ સહકાર આપે જેથી તેઓ પણ આ પરિસ્થિતિને સફળતાથી પાર પાડી શકે તથા માહિતી વિભાગની ટીમ આ અસર આજે પરિસ્થિતિની સતત અપડેટ આપવા માટે હાજર હોય તેમની સાથે સંપર્કમાં રહેવા જણાવવામાં આવ્યું છે.

Back to top button