આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા દેશના વડાપ્રઘાનને અપશબ્દો બોલતો વીડિયો વાયરલ થયો હતો. તે સંદર્ભે આજે અમદાવાદ પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરઘન ઝડફીયાએ પત્રકાર પરિષદને સંબોધી હતી.
આમ આદમી પાર્ટીની આવી હલકી માનસીકતા
આ પત્રકાર પરિષદમાં ગોરઘન ઝડફીયાએ પત્રકારોને સંબોધતા જણાવ્યું કે, દેશના વડાપ્રઘાન માટે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ લાંછન પહોંચે તેવા હિન શબ્દો વાપર્યા છે તેને ગુજરાત તેમજ દેશના નાગરીકો વતી અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આમ આદમી પાર્ટીની આવી હલકી માનસીકતાની ચિંતા કરી ગુજરાતના દરેક નાગરિકે સતર્કતા રાખવી જોઇએ.
હિન્દુ દેવી દેવતાઓના અપમાનને સમર્થન આપ્યું
ઝડફીયાએ વધુમાં જણાવ્યું કે, રાજનીતીમાં વિચારઘારાના મતમંતાર હોઇ શકે પરંતુ રાજનીતીક મુલ્ય સાથે ક્યારેય પણ છેડ છાડ યોગ્ય નથી. ગોપાલ ઇટાલીયાએ વાપરેલી ભાષા અને શબ્દોનું સંજ્ઞાન આમ આદમી પાર્ટીના કેજરીવાલે લઇને આ શબ્દો માટે કડકમાં કડક કાર્યવાહીની ગુજરાતની પ્રજા માંગણી કરી રહી છે. હાલમાં જ કેજરીવાલના મંત્રીએ ઘર્માતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને હિન્દુ દેવી દેવતાઓના અપમાનને સમર્થન આપ્યું. તેના પડઘા રૂપે તેમના મંત્રીનું રાજીનામું લઇ લેવામાં આવ્યું તો ગોપાલ ઇટાલીયાને શા માટે આમ આદમી પાર્ટી છાવરે છે તેનો જવાબ ગુજરાતની જનતા સમક્ષ કેજરીવાલે આપવો જોઇએ. શું કામ ગોપાલ ઇટાલીયાને બચાવવા દિલ્હી અને રાજયમાં પત્રકાર પરિષદને સંબોઘવામાં આવે છે તેનો જવાબ ગુજરાતની પ્રજા માંગે છે.
મહિલા આયોગ દ્વારા આ અપશબ્દો મુદ્દે ફરિયાદ કરવામાં આવશે
એક પ્રશ્નના જવાબમાં ઝડફિયાએ જણાવ્યુ કે, મહિલા આયોગ દ્વારા આ અપશબ્દો મુદ્દે ફરિયાદ કરવામાં આવેલ છે અને આગળ કાયદાકીય મંતવ્ય લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગોપાલ ઇટાલિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે બોલેલા અપશબ્દો ગુજરાતીઓના દિલમાં એક તીરની જેમ ખૂંચી રહયા છે. તેનો જવાબ ગુજરાતની ગૌરવશાળી પ્રજા મતદાન વખતે ચોક્કસથી આપશે તેનો વિશ્વાસ ઝડફિયાએ વ્યક્ત કર્યો હતો.