Google 10 કરોડ લોકોને 63 કરોડ ડોલરનું કરશે વિતરણ
અમેરિકા, 21 ડિસેમ્બર : અમેરિકન કોર્ટે ગૂગલને ફરીથી ભારે દંડ ફટકાર્યો છે. આ અનોખા કેસને કારણે, જાયન્ટ કંપનીએ હવે 10 કરોડ લોકોને 63 કરોડ ડોલરનું વિતરણ કરવું પડશે. કંપનીને શા માટે આ 70 કરોડ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે?
ગૂગલને ફરી દંડ
વિશ્વની સૌથી મોટી ટેક કંપની ગૂગલને વધુ એક જોરદાર ફટકો પડ્યો છે. અમેરિકન કોર્ટે કંપની પર લગભગ 70 કરોડ ડોલરનો દંડ ફટકાર્યો છે. તેમાંથી, 63 કરોડ ડોલર 10 કરોડ લોકોમાં વહેંચવામાં આવશે અને બીજા 7 કરોડ ડોલર ફંડમાં જમા કરવામાં આવશે. કંપની પર એન્ડ્રોઇડ પ્લે સ્ટોરનો દુરુપયોગ કરવાનો અને યુઝર્સ પાસેથી વધુ પૈસા પડાવવાનો આરોપ લાગ્યો હતો.
યુઝર્સ પાસેથી વધુ પૈસા વસૂલવાનો આરોપ
આલ્ફાબેટની માલિકીની Google Inc. પર વપરાશકર્તાઓ પાસેથી વધુ ચાર્જ વસૂલવાનો આરોપ લાગ્યો હતો. કંપની એન્ડ્રોઇડ પ્લે સ્ટોર પર ઇન-એપ ખરીદી સાથે અન્ય કેટલાક નિયંત્રણો લગાવીને આ નાણાં વસૂલ કરી રહી હતી. જો કે, ગૂગલે આવા કોઈપણ ખોટા માધ્યમનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો છે. પરંતુ, તેણે દંડ ભરવા માટે તૈયારી દર્શાવી છે. તે પ્લે સ્ટોર પર પ્રતિસ્પર્ધા માટે પણ જગ્યા આપશે.
50 રાજ્યોના 10 કરોડ લોકોમાં પૈસા વહેંચવામાં આવશે
કોર્ટે કંપનીને 70 કરોડ ડોલર ચૂકવવા કહ્યું છે. તેમાંથી, 63 કરોડ ડોલર અમેરિકાના 50 રાજ્યોમાં ફેલાયેલા 10 કરોડ લોકોમાં વહેંચવામાં આવશે. આ સિવાય ડીસી, પ્યુર્ટો રિકો અને યુએસ વર્જિન આઈલેન્ડમાં પણ પૈસા આપવામાં આવશે. આ સમજૂતી સપ્ટેમ્બરમાં જ થઈ ગઈ હતી. પરંતુ, આ સમાચાર હાલમાં જ સામે આવ્યા છે. હજી પણ આ સમાધાન મુદ્દે ન્યાયાધીશની અંતિમ મંજૂરી જરૂરી છે
પૈસા આપોઆપ આવશે, પેપરવર્ક નહીં કરવું પડે
રિપોર્ટ અનુસાર, કુલ 10 કરોડ યુઝર્સમાંથી 7 કરોડ લોકોને ગૂગલ પાસેથી પૈસા લેવા માટે કોઈ પણ પ્રકારના પેપરવર્ક કરવાની જરૂર નહીં પડે. તેમને વળતરની રકમ આપોઆપ મળી જશે.આ વળતર જે લોકોએ 16 ઓગસ્ટ, 2016 થી 30 સપ્ટેમ્બર, 2023 વચ્ચે પ્લે સ્ટોર પરથી એપ્સ ખરીદી છે તમને આપવામાં આવશે.
ગૂગલ પર સ્પર્ધા સમાપ્ત કરવાનો આરોપ
કોર્ટે તે પણ સ્વીકાર્યું છે કે ગૂગલનો એપ બિઝનેસ સ્પર્ધાની વિરુદ્ધ હતો.કેમ કે, ગૂગલ ડેવલપર્સને તેના પ્લે સ્ટોરનો ઉપયોગ કરવા દબાણ કરતું હતું. જોકે, ગૂગલનું કહેવું છે કે તેણે અમેરિકન ગ્રાહકો માટે ચોઈસ બિલિંગ રજૂ કર્યું હતું. તેમણે ગ્રાહકોને ગેમ અને અન્ય પ્લેટફોર્મ પર આ એપ્સ ખરીદવાનો વિકલ્પ આપ્યો હતો.
આ પણ વાંચો : ગૂગલનું અદભૂત ફીચર, જેમાં તમારા ફોટા, વીડિયો અને મેસેજને છુપાવી શકશો