ગૂગલની નકલી એપ્સ પર કાર્યવાહી, પ્લે સ્ટોરમાંથી 2200થી વધુ એપ્સ કરી ડિલીટ
- ઓનલાઈન દુનિયામાં છેતરપિંડી અને કૌભાંડના કિસ્સાઓમાં થઈ રહ્યો છે વધારો
- લોકોને આર્થિક નુકસાનથી બચાવવા ગૂગલ સમયાંતરે પ્લે સ્ટોરમાંથી નકલી એપ્સને હટાવતું રહે છે
નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી: ઓનલાઈન દુનિયામાં છેતરપિંડી અને કૌભાંડના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, નકલી લોન એપ દ્વારા છેતરપિંડીના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ગૂગલે ફરી એકવાર નકલી લોન એપ્સ સામે કડક કાર્યવાહી કરી છે. કંપનીએ પ્લે સ્ટોરમાંથી 2200થી વધુ એપ્સ ડિલીટ કરી છે. ઉલ્લેખનીય છે કે, લોકોને આર્થિક નુકસાનથી બચાવવા માટે ગૂગલ સમયાંતરે પ્લે સ્ટોરમાંથી નકલી એપ્સને હટાવતું રહે છે. ત્યારે એક રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, ગૂગલે સપ્ટેમ્બર 2022થી ઓગસ્ટ 2023 વચ્ચે ગૂગલ પ્લે સ્ટોર પરથી 2200થી વધુ નકલી લોન એપને હટાવી દીધી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ટરનેટનો વપરાશ વધવાની સાથે ઓનલાઈન છેતરપિંડી અને કૌભાંડના કેસોમાં પણ ઝડપથી વધારો થયો છે. સ્કેમર્સ હવે લોકોને છેતરવા માટે નકલી લોન એપ્સનો આશરો લઈ રહ્યા છે. ઘણા ઓનલાઈન યુઝર્સ નકલી એપ્સને ઓળખવામાં અસમર્થ હોય છે અને છેતરપિંડીમાં ફસાઈ જાય છે અને પછી ભારે નાણાકીય નુકસાન સહન કરે છે. હવે ગૂગલે આના પર કડક કાર્યવાહી કરી છે. ગૂગલે ફરી એકવાર પ્લે સ્ટોર પરથી ઘણી એપ્સ હટાવી દીધી છે.
રાજ્યમંત્રીએ સંસદમાં આપી માહિતી
સંસદમાં એક પ્રશ્નના જવાબમાં, નાણા રાજ્ય મંત્રી ભગવત કરડે માહિતી આપી હતી કે, સરકાર નકલી લોન એપ્સ પર કાર્યવાહી કરવા માટે આરબીઆઈ સાથે કેવી રીતે કામ કરી રહી છે. અગાઉ, ગૂગલે એપ્રિલ 2021થી જુલાઈ 2022 વચ્ચે 3500થી 4000 એપ્સની સમીક્ષા કરી હતી અને ત્યારબાદ લગભગ 2500 એપ્સને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવી હતી.
નકલી લોન એપ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની સાથે કંપનીએ તેની પોલિસીમાં પણ મોટા ફેરફાર કર્યા છે. હવે માત્ર એ જ એપ્સને જ Google Apps પર એન્ટ્રી મળશે જે રેગ્યુલેટેડ એન્ટિટી છે અથવા આ એન્ટિટી સાથે કોલેબોરેશન(સહયોગ)માં હશે. એટલું જ નહીં, ગૂગલે હવે એડિશનલ પોલિસી રીકવાયરમેન્ટ અને ઇન્ફોર્સમેન્ટને પણ અમલમાં મૂક્યા છે.
આવી નકલી એપથી બચો
ફક્ત તમારી સાવધાની જ તમને ઇન્ટરનેટની દુનિયામાં સુરક્ષિત રાખી શકે છે. જો તમે બેદરકાર રહેશો તો તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. ગૂગલ પ્લે સ્ટોરમાં હજારો એપ્સ છે. અસલી અને નકલી એપ્સ વચ્ચે તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ જો તમે થોડી સાવચેતી રાખશો તો તમે તમારી જાતને નુકસાનથી બચાવી શકો છો.
આ પણ જુઓ: ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ કરી નકલી LIVE વીડિયો કોલ કર્યો અને 207 કરોડની કરી છેતરપિંડી