રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિની સમસ્યાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે આજે રાજ્યભરના યુવાનો અને પરીક્ષાર્થીઓ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. જી હાં ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબતના કાયદાને રાજ્યપાલ તરફથી મંજુરી મળી ગઈ છે.
મળતી માહિતી મુજબ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબતના કાયદાના બિલને સહી કરીને સરકારને મોકલી આપ્યું છે. જે બાદ આજથી જ કાયદો અમલી બનશે. તમને જણાવી દઈએ કે, ૨૩ ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં બિલ સર્વાનુમતે પસાર થયુ હતું. રાજ્યનાં વારવાર બનતી પેપર લીકની ઘટનાને અટકાવવા સરકાર તરફથી આ કાયદો લાવવામાં આવ્યો છે.
આ વિધેયક પરીક્ષાઓમાં થતી ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવ્યું છે. આ બીલમાં રાજ્ય સરકારે 23 જેટલી જોગવાઈઓ મૂકી છે. પહેલા આ બીલ હેઠળ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો આ સાથે જ રાજ્ય સરકાર પાસેથી નાણાકીય ભંડોળ મેળવતી એટલે કે સ્ટેટ ફંડેડ યુનિવર્સિટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ આ બીલ વિધાનસભામાં પસાર થાય એ પહેલા જ તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને આ બીલ હેઠળની જોગવાઈઓમાંથી શૈક્ષણિક બોર્ડ અને સ્ટેટ ફંડેડ યુનિવર્સિટીને બાકાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : હોળિકા દહન પહેલા વરસાદી માહોલ, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ