ગુજરાતટોપ ન્યૂઝસાયન્સ એન્ડ ટેકનોલોજી

ગુજરાતના સાત લાખ વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ લોન્ચ

ગાંધીનગર, 03 જાન્યુઆરી 2024, રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આજે કૉલેજમાં એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) લોન્ચ કરાયુ હતું.મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે. જેની વિવિધ જોગવાઇઓના પગલે તૈયાર કરાયેલ આ સોફ્ટવેર અંતર્ગત એક જ છત્ર હેઠળ આટ્‌ર્સ, કૉમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યાશાખાઓને સાંકળી લઈને એડિ્‌મશનની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. જેને પગલે હવેથી રાજ્યની ૧૪ યુનિવર્સિટીઓ સંલગ્ન સરકારી, અનુદાનિત, સ્વનિર્ભર ર,૩૪૩ જેટલી કૉલેજના ૭.૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ એડમીશન માટે એક જ પોર્ટલ ઉપર અરજી કરી શકશે. પ્રવેશ માટેની રજીસ્ટ્રેશન ફી માત્ર રૂ.૩૦૦ એક જ વખત ઓનલાઈન ભરવાની રહેશે.

સ્કીલ આધારીત શિક્ષણ ઉપબલ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ
મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, વર્ષ ૨૦૩૦ સુધીમાં નવી શિક્ષણ નીતિની તમામ જોગવાઈઓનું ગુજરાતમાં સંપૂર્ણપણે પાલન થઇ જશે.હાલ પણ રાજ્યમાં નવી શિક્ષણ નીતિના પગલે જ ન્યુ એજ ટેકનોલોજી, A.I.,મશીન લર્નિંગ, રોબોટિક્સ જેવા સમયની માંગ આધારીત કોર્ષ પર રાજ્યમાં પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ટેકનીકલ કોર્ષ ઉપરાંત નોન-પ્રોફેશનલ કોર્ષીષમાં પણ વિદ્યાર્થીઓને સ્કીલ આધારીત શિક્ષણ ઉપબલ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ-જીકેસ પોર્ટલ થકી રાજ્યના વિદ્યાર્થીઓ માટે એડમિશન પ્રક્રિયા અત્યંત સરળ બની જશે. એટલું જ નહિ, એડમિશન માટે કોલેજોમાં ધક્કા ખાવા સહિતની જે અગવડતા વિદ્યાર્થી અને વાલીઓએ અનુભવવી પડતી હતી તેનું નિરાકરણ આવી જશે.

GCAS પૉર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એ બે ભાષાઓમાં ઉપલબ્ધ
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,આ પૉર્ટલ દ્વારા માત્ર સ્નાતક કક્ષાના જ નહિ, પરંતુ અનુસ્નાતક, પી.એચ.ડી. એવા અભ્યાસક્રમો માટેનું કૉમન ઍડિ્‌મશન રહેશે. વિદ્યાર્થીની અનેક વિટંબણાઓનો આ પૉર્ટલ થકી અંત આવશે. મનપસંદ યુનિવર્સિટી તેમજ કૉલેજ, અનુકૂળ અભ્યાસક્રમ પસંદ કરવાની પ્રક્રિયા તેમજ દરેક જગ્યાએ રૂબરૂ જવાની તમામ પરિસ્થિતિનો અંત આવશે.વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ તકમાંથી ઉત્તમ તક ઝડપીને પ્રક્રિયા સરળ બનાવવી એ જ આ પૉર્ટલનું કામ છે. આ પૉર્ટલને કારણે બારમા ધોરણ પછી વિદ્યાર્થી અને વાલીને આટ્‌ર્સ, કૉમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝના અનેકવિધ અભ્યાસક્રમો છે, અનેક યુનિવર્સિટીઓ છે, અનેક કૉલેજો છે તેમાંથી પોતાની મનપસંદ સંસ્થા અને અભ્યાસક્રમ પસંદ કરવાની વિશાળ તક પ્રાપ્ત થાય છે.GCAS પૉર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એ બે ભાષાઓમાં ઉપલબ્ધ છે.

કઇ ૧૪ યુનિવર્સિટીઓમાં આ પોર્ટલ લાગુ પડશે?
ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરા, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન – IITE, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, શ્રી ગુરૂ ગોવિંદ યુનવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા જુનાગઢ યુનિવર્સિટી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી , ચિલ્ડ્ર્ન્સ યુનિવર્સિટી.

GCAS પૉર્ટલની વિશેષતાઓ

  • સરળતાથી ડૉક્યૂમેન્ટ્‌સ અપલોડ કરી શકાય છે
  • અનેક વિષયો પસંદ કરી શકાય છે
  • જે તે સંસ્થા કે યુનિવર્સિટીનાં નોટિફિકેશન્સ સરળતાથી પ્રાપ્ત થાય છે
  • તમામ યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન પછીથી એડિ્‌મશનની પ્રક્રિયાની સ્વાયત્તતા રહેશે

આ પણ વાંચોઃ ઇન્વેસ્ટર્સની સંખ્યાના મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે

Back to top button