અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતમીડિયાયુટિલીટી

પેન્શનધારકો માટે ખુશખબર, પોસ્ટ ઑફિસ દ્વારા ઘરે બેઠા બનશે જીવન પ્રમાણપત્ર

  • ટપાલ વિભાગની પહેલ: પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર માટે ધક્કા ખાવામાંથી મુક્તિ, ઘરે બેઠા પોસ્ટમેનના માધ્યમથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનશે

ગાંધીનગર, 25 ઑક્ટોબર, 2024: પેન્શનધારકોને હવે જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી (સરકારી કચેરી) અથવા બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનધારકો તેમના નજીકની પોસ્ટ ઑફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ટપાલ સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે. આ માટે માત્ર 70/- રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે. આથી પેન્શન મળવામાં કોઈ અડચણ  નહીં થાય. આ સુવિધા તમામ પોસ્ટ ઑફિસોમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉપરોક્ત માહિતી ઉત્તર ગુજરાત ક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે આપી છે.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું છે કે, ભારતીય ટપાલ વિભાગ દ્વારા તમામ વિભાગોના પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે 2020માં કેન્દ્રીય, રાજ્ય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના પેન્શનધારકો માટે જીવન પ્રમાણ જનરેટ કરવા માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની ડોરસ્ટેપ (ઘર આંગણે) સેવા શરૂ કરી હતી, જે પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના સમન્વયમાં કામ કરે છે.

આ પહેલનો ઉદ્દેશ ફેસ ઑથેન્ટિકેશન (ચેહરા પુષ્ટિ) ટેકનિક અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઑથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાનો ઉપયોગ વધારવાનો છે, જેથી બધા પેન્શનરો, ખાસ કરીને દૂરદૂરના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને અનુકૂળ સેવાઓ મળી શકે. પેન્શનધારકો આ સુવિધાનો લાભ મેળવવા માટે પોતાના વિસ્તારના પોસ્ટમેન સાથે તેમજ પોસ્ટ ઇન્ફો મોબાઇલ એપ (https://ccc.cept.gov.in/ServiceRequest/request.aspx) દ્વારા ઓનલાઈન વિનંતી કરી શકે છે. આ માટે, પેન્શનરને આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક અથવા ડાકઘર બચત ખાતા નંબર અને પીપીઓ નંબર આપવો પડશે. પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, પેન્શનરને તેમના મોબાઇલ નંબર પર એક એસ.એમ.એસ. પ્રાપ્ત થશે અને પ્રમાણપત્રને https://jeevanpramaan.gov.in/ppouser/login પર બે દિવસ પછી ઓનલાઇન જોઈ શકાશે.

પેન્શન - HDNews

નોંધનીય છે કે પેન્શનધારકોએ દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ટ્રેઝરી, બેંક અથવા સંબંધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. આ માટે દૂરદૂરના વિસ્તારોમાં રહેતા પેન્શનરોને ટ્રેઝરી (સરકારી કચેરી)માં જવામાં ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને મુસાફરીમાં પણ ઘણો ખર્ચ થતો હોય છે. આવી સ્થિતિમાં પોસ્ટ વિભાગની આ પહેલ પેન્શનધારકોને ઘણી સુવિધા આપશે. તે સાથે જ પેન્શનધારક પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા પેન્શનની રકમ આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પોતાના બેંક ખાતા દ્વારા મેળવી શકે છે.

આ પણ વાંચોઃ સોમનાથ મંદિરની જમીન ઉપર મુસ્લિમ પક્ષનો દાવો ગુજરાત સરકારે ફગાવ્યોઃ સુપ્રીમમાં સુનાવણી ચાલુ

Back to top button