કોરોના કારણે છેલ્લા બે વર્ષથી તહેવારોનો રંગ ખરાબ થયો હતો. જ્યારે આ વર્ષે કોરોના કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતીઓને નવરાત્રીની ઉજવણી પણ સારી રીતે કરવા મળી શકે છે. જેના માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. જેના અનુસાર, રાજ્યના તમામ શક્તિ કેન્દ્રો પર ગરબાનું આયોજન થશે અને અમદાવાદ GMDCમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવશે.
રાજ્ય સરકારે જનતા માટે અતિપ્રિય એવા નવરાત્રીના તહેવાર માટે વિશેષ ઉજવણીનની જાહેરાત કરી છે. જેમાં રાજ્યના સૌથી મોટા શક્તિ કેન્દ્રો અંબાજી અને બહુચરાજી સહિત 9 શક્તિપીઠોમાં પણ વિશેષ ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવશે. તેમજ રાજ્યની સૌથી મોટી અને વિશેષ નવરાત્રીનું આયોજન અમદાવાદ ખાતે GMDC ગ્રાઉન્ડ પર ભવ્ય ગરબાનું આયોજન કરાશે. નવરાત્રી 26 સપ્ટેમ્બરના રોજ સોમવારથી શરૂ થશે અને 5 ઓક્ટોબરના રોજ બુધવાર સુધી ઉજવાશે.
આ પણ વાંચો : ગુજરાતના પ્રખ્યાત ગરબાને યુનેસ્કોનું હેરિટેજ ટૅગ અપાવવાની કવાયત શરૂ
કોરોનાના બે વર્ષ બાદ સામાન્ય સ્થિતિમા ગરબાનું આયોજન થવા જઈ રહ્યું છે. જો કે સામાન્ય તકેદારીઓ તે દરમિયાન પણ રાખવાની રાજ્ય સરકારે ખાસ નોંધ લીધી છે. આ ઉપરાંત વિવિધ શહેરોમાં નવરાત્રીની ઉજવણીમાં કોઈ પણ પ્રતિબંધ હાલ લાગુ કરવામાં આવશે નહીં.