નવી દિલ્હી, 25 એપ્રિલ : ભારત સરકાર દ્વારા સફેદ ડુંગળી પર નિકાસ પ્રતિબંધ હળવો કરવામાં આવ્યો છે. સરકારે દેશના ત્રણ બંદરો પરથી સફેદ ડુંગળીના વિદેશી શિપમેન્ટને મંજૂરી આપી છે. જેના પગલે હવે ખેડૂતોને ડુંગળીના સારા ભાવો મળે તેવી આશા છે. આ અંગે DGFT એ જાહેરનામું બહાર પાડ્યું છે.
ડીજીએફટીએ જાહેરનામું બહાર પાડ્યું
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે સફેદ ડુંગળીની નિકાસ કરતા નિકાસકારોએ માલ અને એસેસરીઝના જથ્થાને પ્રમાણિત કરવા માટે ગુજરાત સરકારના હોર્ટિકલ્ચર કમિશનર પાસેથી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.
આ બંદરો પરથી સફેદ ડુંગળીની નિકાસ કરવામાં આવશે
સફેદ ડુંગળીની નિકાસ માટે સરકાર દ્વારા કેટલાક બંદરોના નામ નક્કી કરવામાં આવ્યા છે. ડીજીએફટી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ આદેશ તાત્કાલિક અસરથી જારી કરવામાં આવશે કે નિયુક્ત બંદરો પરથી વધુમાં વધુ બે હજાર મેટ્રિક ટન સફેદ ડુંગળીની નિકાસ કરી શકાય. સરકારે નિકાસ માટે મુન્દ્રા પોર્ટ, પીપાવાવ પોર્ટ અને ન્હાવા શેવા (JNPT) પોર્ટના નામ નક્કી કર્યા છે.
નિશ્ચિત જથ્થામાં શિપમેન્ટની મંજૂરી
નોટિફિકેશનમાં વધુમાં જણાવાયું છે કે રાજકીય રીતે સંવેદનશીલ કોમોડિટી ડુંગળીની નિકાસ પર સામાન્ય રીતે પ્રતિબંધ છે પરંતુ સરકાર દ્વારા મિત્ર દેશોની વિનંતી પર તેના ચોક્કસ જથ્થાને મોકલવાની મંજૂરી આપવામાં આવી છે.
ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ એ વાણિજ્ય
મંત્રાલયની એક શાખા છે, જે આયાત અને નિકાસ સંબંધિત ધોરણો નક્કી કરે છે. ઉલ્લેખનીય છે કે 8 ડિસેમ્બર, 2023 ના રોજ સરકારે સ્થાનિક ઉપલબ્ધતા વધારવા અને કિંમતોને નિયંત્રિત કરવા માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પગલા બાદ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો હતો.