ધો.10 અને 12ના વિદ્યાર્થીઓના પ્રમાણપત્ર DG લોકર પર અપલોડ થશે. તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં કોમ્પ્યુટર ફી રૂ.150 કરવા બોર્ડ સરકારમાં દરખાસ્ત કરશે. તથા સરકાર નિયુક્ત બે સભ્યોને સમિતિઓમાં સ્થાન આપવામાં આવશે. જેમાં શિક્ષણ બોર્ડનું 186.82 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં રજૂ થયેલા શિક્ષકોના ડ્રેસ કોડ અંગેનો પ્રસ્તાવ ફગાવતા બોર્ડે કહ્યુ હતુ કે, શિક્ષકોએ કેવા કપડા પહેરવા તે નક્કી કરવાનું કામ બોર્ડનુ નથી શાળા મંડળે જોવાનુ છે. આ પ્રસ્તાવને લઈ બે દિવસથી સોશિયલ મીડિયામાં પણ રમુજી મેસેજ ફરતા થયા હતા કે, હવે શિક્ષકો ધોતી પહેરવા અને શિક્ષિકાઓ સાડી પહેરવા તૈયાર થઈ જાઓ. આ સાથે પ્રસ્તાવ રજૂ કરનાર બોર્ડ સભ્ય સામે પણ સોશિયલ મીડિયામાં ભારે રોષ ઠલવાયો હતો.
આ પણ વાંચો: દેશમાં યુનિવર્સિટીની સંખ્યા બાબતે ગુજરાતને મળ્યો આ નંબર
શાળાઓમાં કોમ્પ્યુટર ફી રૂ.50થી વધારી રૂ.150
આ સિવાય સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રસ્તાવો પૈકી ધોરણ.10 અને 12ના વિદ્યાર્થીઓની માર્કશીટ સહિતના પ્રમાણપત્રોને CBSEની માફક ડીજી લોકરમાં અપલોડ કરવાનો પ્રસ્તાવ સ્વિકારવામં આવ્યો છે, જેની કાર્યવાહી બોર્ડ દ્વારા આગામી દિવસોમાં શરૂ કરવામાં આવી શકે છે. આ સિવાય ગ્રાન્ટેડ શાળાઓમાં કોમ્પ્યુટર ફી રૂ.50થી વધારી રૂ.150 કરવા માટે બોર્ડ દ્વારા સરકારમાં મંજુરી અર્થે દરખાસ્ત કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં તાપમાનના પારામાં વધારો, જાણો શું છે ઠંડીની આગાહી
શિક્ષણ બોર્ડનું 186.82 કરોડનું બજેટ મંજૂર કરાયું
શુક્રવારે મળેલી સામાન્ય સભામાં શિક્ષણ બોર્ડનું વર્ષ-2023-24નું રૂ.186,82,52,000નું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. ગત વર્ષે 147,49,93,000નું બજેટ મંજુર થયું હતુ, જેમાં આ વખતે રૂ.39.32 કરોડ જેટલો વધારો કરાયો છે. જેમાં પરીક્ષા ફીની આવક રૂ.42.50 કરોડ અંદાજવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ: AMCએ આ વિસ્તારોમાં TP સ્કીમમાં 142 પ્લોટની લ્હાણી કરી
સરકાર નિયુક્ત બે સભ્યોને સમિતિઓમાં સ્થાન
બોર્ડની સામાન્ય સભામાં સરકાર નિયુક્ત બે સભ્યોની પરીક્ષા, કારોબારી અને શૈક્ષણિક સમિતીમાં નિયુક્તિ કરવામાં આવી છે. કારણ કે, હવે પછી આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાને લઈ પરીક્ષા સમિતીની પણ બેઠક મળશે. જેથી સભ્યોની નિયુક્તિ કરવી અનિવાર્ય હતી.