ગોંડલ યાર્ડની ચાલુ વર્ષે રૂ.23.62 કરોડની આવક, એશિયાના સૌથી મોટા ઊંઝા યાર્ડને પાછળ છોડ્યું


રાજકોટનું ગોંડલ માર્કેટ યાર્ડ હવે આવકની રીતે ગુજરાતમાં નંબર વન બન્યું છે. સમગ્ર એશિયામાં ઉત્તર ગુજરાતની ઊંઝા APMC સૌથી મોટું માર્કેટ યાર્ડ ગણવામાં આવે છે. અહીંથી અબજો રૂપિયાના જીરાની વિદેશમાં નિકાસ થાય છે. ત્યારે હવે આ માર્કેટ યાર્ડ પાસેથી ગોંડલના માર્કેટ યાર્ડે નંબર વનનો તાજ છીનવી લીધો છે. નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન રૂ.23.62 કરોડની આવક થઈ છે. આ યાર્ડમાં આ વખતે સૌથી વધુ પાકની આવક સાથે રાજ્યના નંબર વન માર્કેટ યાર્ડની સિધ્ધી પણ મળી છે.
ગોંડલ યાર્ડ અગ્રીમ જ બની રહે તે માટે સત્તાધીશો કરશે સુધારો
ગુજરાતના માર્કેટ યાર્ડમાં અત્યાર સુધી સૌથી વધુ પાકોની આવકમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ નંબર વન રહેતું હતું. ગોંડલ માર્કેટિંગ યાર્ડએ બીજા નંબર પર રહેતું હતું. જ્યારે હવે પાકોની આવક વધતાં ગોંડલ માર્કેટ યાર્ડનો વિકાસ થયો હતો અને આવકમાં પણ વધારો થયો હતો. જેથી સૌરાષ્ટ્રમાં વસતા લોકો માટે આ ગૌરવની વાત બની ગઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત પૂરતું જ અગ્રિમ બની ન રહે તે માટે વર્તમાન બોડી દ્વારા આકરી મહેનત કરવામાં આવી રહી છે.
યાર્ડમાં આવતા દિવસોમાં આ સુવિધાઓ કરાશે ઉપલબ્ધ
ગોંડલમાં આગામી સમયમાં પાકને સાચવી શકાય તે માટે યાર્ડમાં ડોમની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. સમગ્રે દેશમાંથી વેપારીઓ અહીં ખરીદી કરવા માટે આવે તે માટેના સુવિધાજનક આયોજનો હાથ ધરાશે. ગોંડલ યાર્ડમાં સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા સહિતની 55થી પણ વધુ જણસીઓ લઈને આવી રહ્યા છે. તેઓને સારા ભાવ મળી રહ્યા છે. વિવિધ પાકની આવક થાય અને તુરંત નિકાલ થાય તેવા આયોજનો હાથ ધરાયા છે. નેશનલ હાઈવે પર વાહનોની લાઈનો લાગતી બંધ થાય તે અંગે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે.
અન્ય રાજ્યોમાંથી પણ આવે છે વેપારી
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, તમિલનાડુના વેપારીઓ ખાસ કરીને મરચા, લસણ, ડુંગળીની ખરીદી માટે આવતા હોય છે. જ્યારે મગફળી અને ધાણાની ગુજરાતના વેપારીઓ ખરીદી કરી લેતા હોય છે. તેઓ દ્વારા દેશ-વિદેશમાં નિકાસ કરવામાં આવતી હોય છે. હવે આ યાર્ડ ઊંઝા માર્કેટ યાર્ડને પણ આવકની દ્રષ્ટીએ પાછળ પાડીને નંબર વન બની ગયું છે.