ગોંડલ : રાજકુમાર જાટના મોતનો મામલો લોકસભામાં ગાજ્યો, CBI પાસે તપાસની માંગ


- સાંસદ ઉમેદારામ બેનીવાલે આ કેસમાં સીબીઆઈ તપાસની માંગણી કરી
- હિટ એન્ડ રનનો કેસ બતાવી મૃતદેહને રાજકોટની સિવિલમાં મોકલી આપ્યો
- હત્યા કાવત્રાના ભાગરૂપે કરવામાં આવી હતી : સાંસદ ઉમેદારામ બેનીવાલ
રાજકોટના ગોંડલમાં રહેતો અને યુપીએસસીની તૈયારી કરતો રાજકુમાર જાટ નામનો મૂળ રાજસ્થાનનો યુવાન ઘરેથી લાપત્તા થયા બાદ રાજકોટ નજીકથી તેની લાશ મળી હતી. તપાસના અંતે પોલીસે ખાનગી બસે હડફેટે લેતાં મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું. સાથો-સાથ પોલીસે ખાનગી બસના ચાલકની પણ ધરપકડ કરી હતી. આમ છતાં આ પ્રકરણ શાંત પડયું નથી.
સાંસદ ઉમેદારામ બેનીવાલે આ કેસમાં સીબીઆઈ તપાસની માંગણી કરી
ખાસ કરીને રાજસ્થાનમાં આ પ્રકરણ ગરમાયું છે. એટલું જ નહીં, આજે આ મુદ્દો લોકસભામાં પણ ઉઠયો હતો. લોકસભામાં બાડમેરના કોંગ્રેસના સાંસદ ઉમેદારામ બેનીવાલે આ કેસમાં સીબીઆઈ તપાસની માંગણી કરી હતી.
હત્યા કાવત્રાના ભાગરૂપે કરવામાં આવી હતી : સાંસદ ઉમેદારામ બેનીવાલ
લોકસભામાં સાંસદ ઉમેદારામ બેનીવાલે કહ્યું કે આજે હું ગંભીર અને સંવેદનશીલ મુદ્દો ઉઠાવવા માંગુ છું. રાજકોટ નજીક રહેતા રાજકુમાર જાટની શંકાસ્પદ અને નૃશંસ હત્યાનો મામલો ધ્યાન પર લાવવા માંગું છું. જે રાજસ્થાનના ભીલવાડા જીલ્લાનો રહેવાસી હતો. પાઉંભાજીનો ધંધો કરતા પિતા રતનલાલ જાટ સાથે રહેતો હતો અને યુપીએસસીની તૈયારી કરતો હતો. અત્યંત દુર્ભાગ્યપૂર્ણ રીતે તેની હત્યા કાવત્રાના ભાગરૂપે કરવામાં આવી હતી. જેનાથી તેનો પરિવાર જ નહીં પરંતુ સમગ્ર સમાજ શોકમગ્ન છે.
હિટ એન્ડ રનનો કેસ બતાવી મૃતદેહને રાજકોટની સિવિલમાં મોકલી આપ્યો
ગઈ તા. 2 માર્ચના રોજ રાજકુમાર તેના પિતા સાથે મંદિરે જઈ રહ્યો હતો ત્યારે ગોંડલના પૂર્વ ધારાસભ્યના બંગલા પાસે કેટલાક શખ્સોએ તેને બળજબરીથી રોકી તેને બંગલાની અંદર બળજબરીથી લઈ જઈ મારપીટ કરી હતી. તા.૩ માર્ચના રોજ રાજકુમાર લાપત્તા થઈ ગયો હતો. તેના પિતાએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરી પરંતુ કોઈ સહાયતા મળી ન હતી. તા.૪ માર્ચના રોજ રાજકુમારનો મૃતદેહ ગોંડલથી પપ કિ.મી. દૂર રોડ પરથી મળી આવ્યો હતો. પોલીસે તેને હિટ એન્ડ રનનો કેસ બતાવી મૃતદેહને રાજકોટની સિવિલમાં મોકલી આપ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત : આરોગ્ય કર્મીઓ વાંરવાર નહીં પાડી શકે હડતાળ, સરકાર ESMA લાગુ કરશે