અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી મોટા પ્રમાણમાં સોનું પકડાયું છે. બહારના દેશમાંથી લાવવામાં આવતા સોનાને એરપોર્ટના ટોઇલેટનાં ફ્લશમાં છુપાવીને રાખવામાં આવ્યું હતું. ટોઇલેટમાં કામ કરવા ગયેલા સ્વીપરને આ સોનું મળી આવ્યું હતુ. જેની તપાસ કરતા 116 ગ્રામના એક એવા સોનાના છ બિસ્કિટ મળી આવ્યા હતા.
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી સોનું પકડાયું
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અનેક વખત ગેરકાયદેસર રીતે દાણચોરી કરવામાં આવતી હોય છે. ક્યારેક પકડાઈ જવાને ડરે દાણચોરીના સામાનને એરપોર્ટ પર જ સંતાડી દેવામાં આવતો હોય છે. ત્યારે આજે આવી જ રીતે બહારથી ગેરકાયદેસર રીતે લાવેલા સોનાના બિસ્કીટ પકડાયા છે. અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટોઇલેટનાં ફ્લશમાંથી સ્વીપરને 116 ગ્રામના એક એવા સોનાના છ બિસ્કિટ મળી આવ્યા હતા. જેની કિંમત રુ. 38 લાખ જેટલી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. આ સ્વીપરે આ સોનાના બિસ્કીટ કસ્ટમ વિભાગને આપી દીધા હતા. કસ્ટમ વિભાગ તેને જપ્ત કરીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
સોનાના બિસ્કીટને કસ્ટમ્સને સોંપવા બદલ સન્માન
એરપોર્ટના ટોઇલેટનાં ફ્લશમાંથી સ્વીપરને સોનાના બિસ્કિટ મળી આવતા આ સ્વીપરે તેની ફરજ નિભાવી કસ્ટમને જાણ કરી તે બદલ અમદાવાદ એરપોર્ટ મેનેજમેન્ટ કંપનીએ કર્મચારીને સન્માનપત્ર આપી અભિનંદન પાઠવ્યા હતા.
થોડા દિવસ પહેલા પણ પકડાયું હતુ સોનું
ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ પર વારંવાર સોનું પકડાવાની ઘટના સામે આવતી રહે છે. થોડા દિવસ પહેલા પણ એરપોર્ટના ટોઇલેટમાંથી 800 ગ્રામ સોનું મળી આવ્યુ હતુ. ત્યારે આજે ફરી એક વાર અમદાવાદ એરપોર્ટથી સોનુ મળી આવતા હડકંપ મચી ગઇ છે. અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એકવાર સોનાની દાણચોરી થતી પકડાતા કસ્ટમ વિભાગે આ મામલે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ઇતિહાસમાં સૌ પ્રથમવાર દ્વારકાના મંદિરે ચઢાવવામાં આવી LED વાળી ધજા