રક્ષાબંધનના દિવસે મોંઘુ થયું સોનુ, ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો
HD ન્યૂઝ ડેસ્ક – 20 ઑગસ્ટ : રક્ષાબંધન સાથે દેશમાં તહેવારોની સિઝન શરુ થઈ ચૂકી છે. તહેવારોની શરુઆત સાથે જ સોના-ચાંદી બજારમાં પણ ઘરાકીમાં વધારા સાથે વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે અમદાવાદમાં આજે સોના-ચાંદીમાં અધધધ ઉછાળો જોવા મળ્યો છે.
અમદાવાદમાં સોનાનો ભાવ છેલ્લા બે દિવસમાં રૂ. 1500 વધી રૂ. 74500 પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે ચાંદીનો ભાવ 3500 રૂપિયા વધ્યો છે અને રૂ. 85500 પ્રતિ કિગ્રા થઈ છે. શનિવારે સોનું રૂ. 74000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 83000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહી હતી. શુક્રવારે સોનાની કિંમત રૂ. 73000 તથા ચાંદીની કિંમત રૂ. 82000 હતી.
એમસીએક્સ સોના-ચાંદીમાં ઉછાળો
એમસીએક્સ ખાતે સોનાનો 4 ઑક્ટોબર વાયદો રૂ. 506 અને ચાંદીનો 5 સપ્ટેમ્બર વાયદો રૂ. 1155નો ઉછાળો પણ નોંધાયો હતો. એમસીએક્સ ગોલ્ડ આજે રૂ. 72090 પ્રતિ 10 ગ્રામ તથા ચાંદી રૂ. 85505 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ હતી. વૈશ્વિક સ્તરે સોનું રૅકોર્ડ હાઈ નજીક 2561.20 ડોલર પ્રતિ ઔંશ અને ચાંદી 29.81 ડોલર પ્રતિ ઔંશ થઈ હતી.
કિંમતી ધાતુમાં વધારા પાછળનું કારણ
વૈશ્વિક સ્તરે પોઝિટિવ પરિબળો, ડોલરમાં નબળાઈ તેમજ ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની તીવ્ર શક્યતાઓ સાથે કિંમતી ધાતુમાં વળી પાછી તેજી જોવા મળી છે. ડોલર ઇન્ડેક્સ પણ ઘટતાં કિંમતી ધાતુમાં ખરીદી વધી છે. સ્થાનિક સ્તરે પણ તહેવારોની સિઝન ચાલુ થઈ ગઈ છે.
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે મમતા સરકારને મોટો ઝટકો આપ્યો, CISFને સોપી હોસ્પિટલની સુરક્ષા