2024માં સોનાના ભાવે બનાવી ટોચ, જાણો 2025માં કેટલો રહી શકે છે ભાવ
નવી દિલ્હી, તા. 28 ડિસેમ્બર, 2024: વર્ષ 2024માં સોનાની કિંમતે સૌને ચોંકાવી દીધા છે. આ વર્ષે સોનાના વળતરના મામલે શેર બજારને પણ પાછળ રાખ્યું છે. વૈશ્વિક ઉથલ-પાથલ, કેન્દ્રીય બેંકોની ખરીદી અને અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં ઘટાડાએ આ વર્ષે સોનાના ભાવ વધવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
સોનાએ શેર બજારથી વધારે આપ્યું વળતર
આંકડા મુજબ, 2024માં સોનાએ 27 ટકાનું વળતર આપ્યું છે. જે નિફ્ટી 50 અને એસએન્ડપી 500થી વધારે છે. સોનાની કિંમતે ઑક્ટોબરમાં 2778.54 ડૉલર પ્રતિ ઔંસે નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ રીતે સોનાએ 2024માં 2010 બાદ સૌથી મજબૂત પ્રદર્શન કર્યું છે.
માર્કેટ એક્સપર્ટનું શું કહેવું છે
માર્કેટ એક્સપર્ટ મુજબ, 2025માં પણ સોનામાં તેજી જોવા મળી શકે છે. યુબીએસએ 2025ના અંત સુધીમાં સોનું 2900 ડૉલર પ્રતિ ઔંસ સુધી પહોંચવાનો અંદાજ લગાવ્યો છે. જ્યારે સિટી ગ્રુપ અને ગોલ્ડમેન સૈશ મુજબ 3000 ડૉલર સુધી પહોંચી શકે છે.
વર્લ્ડ ગૉલ્ડ કાઉન્સિલ મુજબ, 2025માં સ્થિર માંગની સંભાવના છે. આંકડા મુડબ, ત્રીજા ત્રિમાસિકમાં સોનાની માંગ પ્રથમ વખત 100 અબજ ડૉલરને પાર પહોંચી છે. કેન્દ્રીય બેંકોએ સતત 15માં વર્ષે સોનાની ખરીદી કરી છે.
મિડલ ઈસ્ટ, યુક્રેન અને સીરિયાના તણાવે સોનાને રોકાણનું સુરક્ષિત માધ્યમ બનાવ્યું છે. ભારતીય બજારમાં સોનાની માંગ સ્થિર છે, જ્યારે ચીનમાં આર્થિક વિકાસની ગતિથી નક્કી થશે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું કહેવું છે કે જો વૈશ્વિક અર્થવ્યવસ્થા સ્થિર રહેશે તો સોનું મર્યાદીત ક્ષેત્રમાં જ કારોબાર કરશે. આ ઉપરાંત સતત વ્યાજ દરમાં વધારાની પણ સોનાની માંગ પર સીધી અસર થાય છે. ભારતના દ્રષ્ટિકોણથી જોઈએ દેશમાં સોનાની માંગ સતત વધી રહી છે. નવેમ્બરના ટ્રેડ ડેટા મુજબ, નવેમ્બરમાં સોનાની આયાત ચાર ગણી વધી છે, જેનાથી દેશની વેપાર ખાધ 37.8 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ છે.
આ પણ વાંચોઃ ભારત પર ટળ્યું ફોલોઅનનું સંકટ, રેડ્ડીએ ફિફ્ટી ફટકારી પુષ્પા સ્ટાઈલમાં કર્યું સેલિબ્રેશન, જૂઓ વીડિયો