સોનાના સિક્કાની ચોરીનો કેસ: ચોરીની ફરિયાદ કરનારા જ ચોર નીકળ્યા!
- મધ્યપ્રદેશમાં 241 સિક્કાની ચોરીની ફરિયાદ કરનારાઓના ઘરેથી મળ્યા 199 સોનાના સિક્કા
- નવસારી પોલીસે આ ફરિયાદીઓને 199 સોનાના સિક્કા ચોરવાના કેસમાં આરોપી બનાવ્યા
અમદાવાદ, 31 ડિસેમ્બર : મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોંડવાના સોનાના સિક્કાના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. ગુજરાતની નવસારી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બૈજરા ગામમાં પહોંચીને 199 બ્રિટિશ યુગના સિક્કા કબજે કર્યા હતા અને ઉમરાલી ગામમાંથી સોના-ચાંદીના વેપારીની પણ ધરપકડ કરી હતી. ગુજરાતમાં મધ્યપ્રદેશના ફરિયાદી હવે આરોપી બન્યા છે.
સમગ્ર મામલામાં ટ્વિસ્ટ એ છે કે, 19 જુલાઈ, 2023ના રોજ જે ફરિયાદીઓએ સોંડવાના તત્કાલીન TI વિજય દેવરા અને અન્ય ત્રણ પોલીસકર્મીઓ વિરુદ્ધ જ્યોર્જ પંચમ યુગના 241 સિક્કાની ચોરી કરવાનો આરોપ લગાવીને FIR નોંધાવી હતી, હવે આ જ ફરિયાદીઓની ગુજરાત પોલીસે સિક્કાના અન્ય એક કેસમાં ધરપકડ કરી છે.
241 સોનાના સિક્કા ચોરી થયાંની ફરિયાદ કરનારાઓ 199 સિક્કા ચોરી કરનાર આરોપી નીકળ્યા !
ગુજરાત પોલીસે નવસારી જિલ્લાના બીલીમોરા ગામમાંથી સોનાના સિક્કા ચોરવાના આરોપમાં સોંડવા પોલીસ સ્ટેશનના ફરિયાદી રમકુબાઈ, દિનેશ, રાજુ અને બાજરીબાઈની ધરપકડ કરી છે. વાસ્તવમાં નવસારીના શબ્બીરભાઈ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે મકાન તોડતી વખતે મળેલા સોનાના સિક્કા અલીરાજપુરના મજૂરો ચોરી ગયા હતા. આ જ FIR પર, ગુજરાતની નવસારી પોલીસે 25 ડિસેમ્બરના રોજ સોંડવાના બૈજરા ગામમાંથી આરોપીઓની અટકાયત કરી હતી અને પૂછપરછ કર્યા પછી, તેઓએ જે ઘરમાં આ સિક્કાઓ છુપાવીને રાખ્યા હતા ત્યાંથી 199 સિક્કાઓ રિકવર કર્યા હતા. આ દરમિયાન ગુજરાત પોલીસે અલીરાજપુર પોલીસનો પણ સહકાર લીધો હતો.
આ સમગ્ર મામલે અલીરાજપુરના SPએ શું જણાવ્યું ?
અલીરાજપુરના SP રાજેશ વ્યાસે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે 199 સિક્કા રિકવર કર્યા છે. આ સોનાના સિક્કા 241 સિક્કા કરતા અલગ છે જેની ચોરીનો સોંડવા પોલીસકર્મીઓ પર આરોપ છે. પોલીસ કેપ્ટને કહ્યું કે, અલીરાજપુર પોલીસે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે અને પૂરક ચાર્જશીટનો વિકલ્પ ખુલ્લો રાખવામાં આવ્યો છે. અલીરાજપુરના એસપી રાજેશ વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે, તેમનો પોલીસ ગુજરાતની નવસારી પોલીસને સહકાર આપી રહી છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસે 241 સિક્કાની ચોરીના આરોપમાં સોંડવા પોલીસ સ્ટેશનના તમામ આરોપી પોલીસકર્મીઓની ધરપકડ કરી અને પૂછપરછ કરી હતી, પરંતુ પોલીસ કંઈપણ રિકવર કરી શકી ન હતી અને તમામને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
આ પણ જુઓ :IIT-BHU રેપ કેસમાં બે મહિના બાદ પોલીસને મળી સફળતા, ત્રણની ધરપકડ