મહેસાણામાં નંદાસણ નજીક ગોઝારો અકસ્માત, લક્ઝરી બસ પલટી મારતા 2ના મોત


- મહેસાણામાં નંદાસણ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો
- 18થી 20 પેસેન્જરને લઇને સુરતથી જોધપુર જઇ રહી હતી બસ
- બસ પલટી મારી જતાં એક મહિલા અને એક બાળકનું મોત
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રોડ અકસ્માતની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે મહેસાણામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણાના નંદાસણ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. તેમજ છ લોકો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે.
લક્ઝરી બસનો અકસ્માત સર્જાતા બે લોકોના મોત
મહેસાણા જિલ્લામાં લક્ઝરી બસના અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતથી જોધપુર તરફ જતી લક્ઝરી બસનો મહેસાણાના નંદાસણ નજીક અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસના ડ્રાઈવરે અચાનક સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલા અને એક બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. અને આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ફસાયેલા લોકોને ક્રેનની મદદથી રેસ્ક્યું કરાયા
પ્રાપ્ત જાણકારી મુજબ સુરતથી જોધપુર તરફ જતી લક્ઝરી બસમાં 18થી 20 જેટલા મુસાફરો સવાર હતા. ત્યારે આ ગંભીર અકસ્માતને પગલે પોલીસ અને 108ને જાણ કરતા પોલૂીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને આ અકસ્માતમાં બસમાં ફસાયેલા લોકોને ક્રેનની મદદથી બહાર કાઢવામા આવ્યા હતા. આ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : Weather Update : સતત વધી રહેલી ગરમી વચ્ચે આજે રાજ્યના આ વિસ્તારમાં થશે માવઠું