કન્જક્ટિવાઇટિસ વકરતા મંદીમાં પણ ગોગલ્સના ભાવ અને વેચાણ વધ્યા!
- કન્જક્ટિવાઇટિસના કારણે ગોગલ્સના ભાવ ડબલ થયા
- ગોગલ્સ ખરીદતી વખતે નહીં કરી શકો ટ્રાયલ
- ચોમાસામાં ગોગલ્સના માર્કેટમાં મંદી હોય છે
છેલ્લા એક મહિનાથી કન્જક્ટિવાઇટિસની બીમારી લોકોને ત્રસ્ત કરી રહી છે. કન્જક્ટિવાઇટિસની બીમારીનો ભોગ બનનાર વ્યક્તિને આંખ બાબતે કાળજી લેવા ઉપરાંત પોતાની આંખનો ચેપ અન્ય વ્યક્તિને લાગતો અટકી શકે તે માટે ગોગલ્સ પહેરવા પણ હિતાવહ છે. જેને પરિણામે ગોગલ્સ અને નંબર વગરના ચશ્માંના ભાવમાં ડબલ ઉછાળો આવ્યો છે. સામાન્ય રીતે રૂપિયા ૭૦થી ૮૦માં મળતા ગોગલ્સના ભાવ હાલમાં રૂપિયા ૧૦૦થી રૂ. ૨૦૦ સુધી બજારમાં વેચાઇ રહ્યા છે.
છેલ્લા દોઢેક માસથી સતત વાદળછાયા વરસાદી અને ભેજયુક્ત વાતાવરણને પગલે હાલમાં કન્જક્ટિવાઇટિસની બીમારીએ વેગ પકડ્યો છે. જેને પરિણામે હાલમાં શહેરની સિવિલ હોસ્પિટલ સહિત તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દરરોજના સેંકડો કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે કન્જક્ટિવાઇટિસની બીમારીનો વાઈરસ ફેલાય નહીં તેમજ આંખનું રક્ષણ રહે તે માટે ભોગ બનનાર દર્દીને ચશ્માં કે ગોગલ્સ પહેરવાની સલાહ આપવામાં આવે છે. જેને પરિણામે હાલમાં બજારમાં ગોગલ્સની ડિમાન્ડ વધી જવા પામી છે. આથી શહેરના બજારમાંથી લઇને મુખ્ય તેમજ હાઇવેના માર્ગની બંને સાઇડમાં ગોગલ્સના વેચાણ કરનારાની સંખ્યા વધી જવા લાગી છે. જોકે સામાન્ય રીતે ચોમાસામાં ગોગલ્સનું વેચાણ થતું ન હતુ, પરંતુ કન્જક્ટિવાઇટિસ બીમારીને પગલે ચશ્માંના વેચાણ કરતા વેપારીઓને ચાંદી જ ચાંદી જેવી સ્થિતિ બની રહી છે.
કન્જક્ટિવાઇટિસે વધાર્યુ વેચાણ
સામાન્ય દિવસોમાં રૂ. 70થી શરૂ થઇને 5000 સુધીનાં ચશ્માંનું વેચાણ થતું હોય છે, પરંતુ હાલમાં વકરી રહેલી કન્જક્ટિવાઇટિસની બીમારીને પગલે ચશ્માંનાં વેચાણમાં રોકેટ ગતિએ વધારો થઇ રહ્યો છે. છેલ્લા ચાર દાયકાથી ચશ્માંનું વેચાણ કરતા વેપારીએ જણાવ્યું હતું કે ઉનાળામાં ગોગલ્સનું વેચાણ થતું હોય છે. જ્યારે ચોમાસમાં અઠવાડિયામાં માંડ એકાદ ગોગલ્સનું વેચાણ થતું હોય છે, પરંતુ હાલમાં કન્જક્ટિવાઇટિસની બીમારીને પગલે દિવસના વીસથી ત્રીસ જેટલા ગોગલ્સનું વેચાણ થાય છે. જોકે ગોગલ્સના હોલસેલ ભાવમાં વધારો થવાના કારણે ભાવ હાલમાં વધી ગયા છે.
પસંદગી કરી લો ટ્રાયલ નહિ મળે
ફેશન સિમ્બોલ ગણાતા ગોગલ્સ સામાન્ય રીતે ગરમીની સિઝનમાં વધુ વેચાય છે. ખાસ કરીને ઉત્તરાયણના તહેવારમાં તેની માગ બમણી થઇ જાય છે ત્યારે લોકો પોતાનાં કપડાંને અનુરૂપ ગોગલ્સ ખરીદે છે. આ માટે લોકો ટ્રાયલ પણ લેતા હોય છે, પરંતુ હાલમાં આ તમામ બાબતો પર જાણે પ્રતિબંધ લાગી ગયો છે. દુકાનદાર હવે ગ્રાહકને ગોગલ્સ પસંદ કરી લેવાનો એક માત્ર વિકલ્પ આપે છે ટ્રાયલ આપતા નથી કારણ કે એક વ્યક્તિએ ટ્રાયલ કરેલા ગોગલ્સનું ઇન્ફેક્શન અન્ય ગ્રાહકને લાગી શકે છે માટે વેપારી ગ્રાહકને પોતાની પસંદગી અને માપ સાઈઝ ચેક કરીને ટ્રાયલ વગર જ ગોગલ્સનું વેચાણ કરી રહ્યા છે અને ચેપ ફેલાતો અટકાવી રહ્યા છે. જો કોઈ વ્યક્તિને ખરીદી પછી ગોગલ્સ ચહેરા પર ફિટ ન બેસે તો નો રિટર્ન કે એક્સચેન્જ પોલિસી હેઠળ તેને નવા ગોગલ્સની ખરીદી ફરજિયાત કરવી પડે છે.
આ પણ વાંચોઃ જાણો : મૌની રોયથી લઈને તેજસ્વી પ્રકાશ સુધીની નાગિન એક્ટર્સની ફી