મુસાફરોને એરપોર્ટમાંથી લીધા વગર જનાર GoFirst એરલાઈન્સને રૂ.10 લાખનો દંડ ફટકારાયો
GoFirst એરલાઈન્સની ફ્લાઈટ દ્વારા 55 મુસાફરોને એરપોર્ટ પર છોડવા બદલ કંપની વિરુદ્ધ એવિએશન રેગ્યુલેટરી બોડી DGCA એ કાર્યવાહી કરી છે. DGCAએ કંપની પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અગાઉ એવિએશન રેગ્યુલેટર DGCA એ એરલાઇન કંપની GoFirst સામે કારણ બતાવો નોટિસ જારી કરી હતી. DGCA એ GoFirst ના જવાબદાર મેનેજરને કારણ બતાવો નોટિસ જારી કરી હતી કે તેમની સામે અમલીકરણની કાર્યવાહી કેમ ન કરવી જોઈએ. તેની કાર્યવાહી વિશે માહિતી આપતા DGCAએ કહ્યું કે GoFirstએ 25 જાન્યુઆરીએ કારણ બતાવો નોટિસનો જવાબ આપ્યો હતો. એરલાઇન કંપનીના જવાબ મુજબ, વિમાનમાં મુસાફરોના બોર્ડિંગને લઈને ટર્મિનલ કોઓર્ડિનેટર (TC), કોમર્શિયલ સ્ટાફ અને ક્રૂ વચ્ચે વાતચીત અને સંકલનનો અભાવ હતો.
શું છે આખો મામલો ?
આ ઘટના અંગે ડીજીસીએએ જણાવ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે એરલાઇન કંપની ગ્રાઉન્ડ હેન્ડલિંગ, લોડ અને ટ્રીમ શીટની તૈયારી, ફ્લાઇટ ડિસ્પેચ અને પેસેન્જર/કાર્ગો હેન્ડલિંગ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહી છે. આ બધાને જોતા કંપની પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે 9 જાન્યુઆરીના રોજ બેંગ્લોર એરપોર્ટ પર બેંગ્લોરથી દિલ્હી જતી એરલાઈન્સની GoFirst ફ્લાઈટ બસમાં સવાર લગભગ 55 મુસાફરોને લીધા વગર જ ટેકઓફ થઈ ગઈ હતી. મુસાફરોએ આક્ષેપ કર્યો હતો કે ફ્લાઈટ G8 સોમવારે સવારે 6.40 વાગ્યે 55 મુસાફરોને છોડીને રવાના થઈ હતી. 55માંથી 53 મુસાફરોને દિલ્હી માટે અન્ય એરલાઇનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બાકીના 2 એ રિફંડની માંગણી કરી હતી જે એરલાઇન દ્વારા ચૂકવવામાં આવી હતી. હવે આ મામલામાં GoFirstએ પીડિત મુસાફરોની માફી માંગી હતી અને આ ઘટનામાં સામેલ એરલાઇન્સના કર્મચારીઓ સામે કાર્યવાહી કરી હતી.