ગોધરા NEET કૌભાંડઃ CBIએ કોર્ટમાં 8 હજાર પેજની ચાર્જશીટ રજૂ કરી
ગોધરા, 07 સપ્ટેમ્બર 2024, NEET પરીક્ષા કૌભાંડમાં CBIની ટીમ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યમાં તપાસ કરી રહી છે. ગોધરાની જય જલારામ સ્કૂલમાં NEET પરીક્ષામાં વિદ્યાર્થીઓને પાસ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. CBIએ આ કેસમાં 8 હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી આરોપીઓના વકીલને પેનડ્રાઇવમાં ચાર્જશીટની નકલ આપી છે. ત્રણ દિવસથી CBIના 6 અધિકારીઓએ ગોધરામાં કેસને લગતા વ્યક્તિઓને પૂછપરછ માટે બોલાવ્યા હતા. જેમાંથી ચાર પુરુષ અને એક મહિલાના નિવેદનો લેવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે.
અત્યાર સુધી છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી
NEET કૌભાંડમાં 5 સૂત્રધાર સામે CBIએ સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. ગોધરાની જય જલારામ સ્કૂલના સેન્ટરમાં NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના આયોજનની તપાસ CBI પોલીસ મથકે આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી. CBIએ તપાસ હાથ ધરતા આરોપી તુષાર ભટ્ટ, પરશુરામ રોય,આરીફ વોરા, વિભોર આનંદનો કબજો લીધા બાદ જય જલારામના સંચાલક દીક્ષિત પટેલની ધરપકડ કરી હતી. CBI દ્વારા અત્યાર સુધી છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
5 આરોપીઓના વકીલને પણ ચાર્જશીટની કોપી આપી
CBI દ્વારા NEET પરીક્ષાની તપાસ કરીને તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. CBIએ તપાસ કરીને 5 આરોપીઓ સામેની ચાર્જશીટ CBIની સ્પેશ્યલ કોર્ટમાં ફાઇલ કરી હતી. જય જલારામ સ્કૂલના સંચાલક દીક્ષિત પટેલ સામે હજુ ચાર્જશીટ રજૂ થઇ નથી તેમજ કોર્ટ દ્વારા 5 આરોપીઓના વકીલને પણ ચાર્જશીટની કોપી આપી હતી. જેમાં CBI દ્વારા અલગ અલગ આરોપીઓની 8000થી લઇને 3500 પેજની ચાર્જશીટ ડિજિટલ સ્વરૂપે પેન ડ્રાઇવમાં આપવામાં આવી છે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં કુખ્યાત બુટલેગરના પુત્રનુ અપહરણ, સાગરિતોએ ગાડીઓના કાચ તોડી આતંક મચાવ્યો