2002ના ગોધરા કાંડ કેસમાં કુલ 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણય સામે દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચ આજે આ અરજીઓ પર સુનાવણી કરશે. તો બીજી તરફ ગુજરાત સરકાર ગુનેગારોને ફાંસીની સજા મળે તે માટે કોર્ટ સમક્ષ માંગ કરશે.
આ પણ વાંચો : કોરોનાના લક્ષણ છતાં 76% લોકો નથી કરાવતા તપાસ !!!
સુપ્રીમ કોર્ટે 24 માર્ચે કહ્યું હતું કે દોષિતોની અરજી પર આગામી સુનાવણીમાં નિર્ણય લેવામાં આવશે. આ બેન્ચમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેજી પારડીવાલાનો સમાવેશ થાય છે. આ કેસમાં ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાનું કહેવું છે કે દોષિતોને ફાંસીની સજાની માંગ કરવામાં આવશે કારણ કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમને આજીવન કેદમાં પરિવર્તિત કરવામાં આવી છે. તુષાર મહેતાએ કહ્યું, ટ્રેનની બોગીને બહારથી લોક કરી આગ લગાડી દેવામાં આવી હતી. જેમાં મહિલાઓ અને બાળકો સહિત કુલ 59 લોકોના મોત થયા હતા. ટ્રાયલ કોર્ટે આ કેસમાં 11 દોષિતોને ફાંસીની સજા અને 20 અન્ય આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી. ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. આ ઘટના 27 ફેબ્રુઆરી 2022 ના રોજ બની હતી. અયોધ્યાથી પરત ફરી રહેલી કાર સેવકોથી ભરેલી ટ્રેનને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટના પછી ગુજરાતમાં રમખાણો ફેલાઈ ગયા હતા જેમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા, હજારો લોકો ઘાયલ થયા, લોકોના ઘર બળી ગયા અને કરોડોની સંપત્તિને પણ નુકસાન થયું હતું.