ગુજરાતટોપ ન્યૂઝ

‘આવો કપાતર દીકરો ભગવાન કોઈને ન આપે’ કોને માટે નીકળી હોય શકે છે આવી બદદુઆ !

Text To Speech
દરેક માતા-પિતાને પોતાના સંતાન માટે લાગણી હોય જ છે. તેઓને સંતાન પાસે કઈ આશા તો નથી હોતી પણ તે તેમની વૃદ્ધાવસ્થામાં તેની લાકડી બનીને ઉભો રહેશે તેવી ખાતરી હોય છે. પણ, સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના મેરા ગામે એક એવી ઘટના સામે આવી હતી કે જે સાંભળી કોઈપણના મોઢામાંથી એકવાર ચોક્કસ નિકળશે કે ‘આવો કપાતર દીકરો ભગવાન કોઈને ન આપે’.
શું હતી ઘટના ?
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના મેરા ગામે થોડા દિવસ પહેલા એક રહેણાંક મકાનમાં નિંદ્રાધીન હાલતમાં રહેલા વૃદ્ધ દંપતી પાલાભાઈ ભગતભાઈ વાઘેલા અને ગજરાબેન ઉપર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથીયારથી હુમલો કર્યો હતો. આ બનાવમાં ગજરાબેનનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે કે પાલાભાઈને પણ ગળામાં છરકો પડી જતાં તેઓનું લોહી વહી જતાં અર્ધબેભાન થઈ ગયા હતા. વૃદ્ધ દંપતી ઉપર હુમલો થતા દેકારો મચી ગયો અને રાત્રીનો સમય હોય અવાજ સાંભળી પાડોશીઓ દોડી આવ્યા હતા તેઓએ આ ઘટનામાં ઇજાગ્રસ્ત પાલાભાઈને સારવારમાં ખસેડયા હતા. જ્યારે કે ગજરાબેનના મોત અંગે પોલીસને જાણ કરી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી લીંબડી ડીવાયએસપી સહિતનાઓ દોડી આવ્યા હતા અને બનાવ અંગે મૃતક તેમજ ઇજાગ્રસ્તના પુત્ર બાબુ વાઘેલાની ફરિયાદ લઈ અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કર્યો હતો.
ઘટનાસ્થળેથી જ પોલીસને વૃદ્ધ દંપતીના પુત્ર ઉપર હતી શંકા
દરમિયાન પોલીસે આ મામલે ગામમાં પુછપરછનો દૌર શરૂ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે પાલાભાઈએ થોડા સમય પહેલા જ જમીન વેંચી હતી. જેના આઠ લાખ રૂપિયા આવ્યા હતા અને તેની ભાગબટાઈ કરવામાં આવી હતી. જેમાં બે દીકરીઓ તથા બહારગામ રહેતા એક દીકરાને રોકડ આપી પોતે એક વાહનની ખરીદી કરી હતી. ત્યારે જ પોલીસે આ ઘટના પાછળ રૂપિયા જ જવાબદાર હોવા જોઈએ અને તે જ દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરતાં બનાવ સમયેથી જ શંકાના દાયરામાં રહેલા દંપતીના પુત્ર એટલે કે ફરિયાદીની ઉલટ પૂછપરછ શરૂ કરતાં તે પડી ભાંગ્યો હતો અને તેણે જ આ બનાવને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપતા તેની ધરપકડ કરી હતી.
પોતાને કંઈ જ ન મળતા દીકરાએ પ્લાન ઘડી બંનેની હત્યા કરવાની કોશિષ કરી
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે પાલાભાઈએ જમીન વેંચી હોય જેના રૂ.8 લાખ આવ્યા હતા જે બે દીકરીઓ અને એક દીકરાને આપ્યા હતા પણ નાના દીકરાને કંઈ ન મળ્યું હોય જેથી તેના દીકરા બાબુ વાઘેલાએ આ પ્લાન ઘડ્યો હતો. તેણે કહ્યું હતું કે તેના પિતા પાસે રૂ.2 લાખની રોકડ હતી અને બાકી વધેલી જમીન હતી જે તેને જોઈતી હોય એટલે આ ષડયંત્ર રચ્યું હતું.
પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાંખ્યો
હત્યા અને હુમલાના બનાવ બાદ પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આગળની તપાસ શરૂ કરી હતી. દરમિયાન બનાવના ગણતરીના દિવસોમાં જ તેમણે આરોપીને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.  દીકરાએ જ માતા-પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો હતો જે  જાણી લોકોમાં એક જ ચર્ચા થઈ રહી છે કે ‘આવો કપાતર દીકરો ભગવાન કોઈને ન આપે’
Back to top button