દર મહિને પતિને 5 હજાર ભરણપોષણ આપો; કોર્ટે પત્નીને આપ્યો આદેશ
મધ્યપ્રદેશ, 22 ફેબ્રુઆરી : સામાન્ય રીતે છૂટાછેડાના કેસમાં પતિએ તેની પત્નીને ભરણપોષણ આપવું પડતું હોય છે. પરંતુ અહીં કોર્ટે તેનાથી વિપરીત ચુકાદો આપ્યો છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીંની ફેમિલી કોર્ટે બ્યુટી પાર્લર ચલાવતી મહિલાને છૂટાછેડા પછી તેના 12મુ પાસ પતિને 5000 રૂપિયાનું માસિક ભરણપોષણ ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે.
કોર્ટે બુધવારે આ નિર્ણય 23 વર્ષીય અમન કુમારની અરજીને ટાંકીને આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, અમને પોતાની પત્નીના કારણે અભ્યાસ છોડવો પડ્યો હતો. અમન બેરોજગાર છે પરંતુ તેની 22 વર્ષની પત્ની ગ્રેજ્યુએટ છે અને ઈન્દોરમાં બ્યુટી પાર્લર ચલાવે છે.
અરજીકર્તા અમન કુમારના વકીલ મનીષ જરોલેએ કહ્યું કે વર્ષ 2020માં ઉજ્જૈનના રહેવાસી અમનની એક કોમન ફ્રેન્ડ દ્વારા નંદિની સાથે મિત્રતા થઈ હતી. નંદિનીએ અમનને લગ્ન માટે પ્રપોઝ કર્યું. જોકે અમન તેની સાથે લગ્ન કરવા માંગતો ન હતો, પરંતુ નંદિનીએ તેને આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. આ પછી, જુલાઈ 2021 માં, તેમણે આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા અને ઈન્દોરમાં ભાડાના મકાનમાં રહેવાનું શરૂ કર્યું.
અમને પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે લગ્ન બાદ નંદિની અને તેના પરિવારજનોએ તેને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. તેમજ તેને અભ્યાસ ચાલુ રાખતા અટકાવી દીધો હતો. લગ્નના બે મહિના બાદ સપ્ટેમ્બરમાં અમન નંદિનીને છોડીને તેના માતા-પિતાના ઘરે ગયો હતો.
અમન ઘરેથી નીકળ્યા બાદ નંદિનીએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. અમને પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ડિસેમ્બર 2023માં છૂટાછેડા અને ભરણપોષણ માટે ફેમિલી કોર્ટમાં અરજી પણ કરી હતી. આ દરમિયાન નંદિનીએ ઈન્દોરમાં અમન વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ પણ દાખલ કર્યો હતો અને કોર્ટની સામે તેણે કહ્યું કે તે અમન સાથે રહેવા માંગે છે.
અમનના વકીલે કહ્યું કે, ‘નંદિનીએ કોર્ટ સામે ખોટું કહ્યું કે તે બેરોજગાર છે અને અમન કામ કરે છે. કોર્ટે તેમની અરજી ફગાવી દીધી કારણ કે તેમના નિવેદનોમાં ઘણા વિરોધાભાસ હતા.
વકીલ મનીષ જરોલે કહ્યું, ‘આ એક અનોખો કેસ છે. આ કેસમાં કોર્ટે નંદિનીને લિટીગેશન ખર્ચ તરીકે વધારાની રકમ ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. નંદિની અને તેના પરિવારે અમન સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જો કે નંદિનીએ કહ્યું કે તે તેના લગ્ન જીવનને બચાવવા માંગે છે, તેથી તેણે આટલી બધી બાબતો જણાવી નથી, પરંતુ હવે તે આ નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકારશે.