ગીતાબેન રબારી, સાઈરામ દવેએ મહાશિવરાત્રી મેળાના પ્રથમ દિવસે કરી ભક્તિસભર પ્રસ્તુતિ


- ભક્તિસભર અને હાસ્યરસ સાથે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર- જૂનાગઢનો સંદેશ
- ‘પ્લાસ્ટિક મુક્ત ગિરનાર’ વોલ પેઇન્ટિંગ સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરાયા
- જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમનો ભાવિકોએ લીધો લાભ
જૂનાગઢ, 6 માર્ચઃ મહાશિવરાત્રીના મેળાના પ્રથમ દિવસે જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા આયોજિત સાંકૃતિક કાર્યક્રમમાં લોકગાયિકા ગીતાબેન રબારીએ ભક્તિસભર પ્રસ્તુતિઓ આપી જમાવટ કરી હતી. સાથે લોક સાહિત્યકાર શ્રી સાઈરામભાઈ દવેએ હાસ્યરસથી શ્રોતાઓને તરબોળ કર્યા હતાં. આ સાથે કલાકારોએ મંચ પરથી પ્લાસ્ટિક મુક્ત ગિરનાર- જૂનાગઢનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે પ્લાસ્ટિક મુક્ત ગીરનાર થીમ પર આયોજિત વોલ પેઇન્ટિંગ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને તેમને રોકડ પુરસ્કાર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત વોલ પેઇન્ટિંગ સ્પર્ધાના નિર્ણાયકોનું પણ મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.

મેયર શ્રીમતી ગીતાબેન પરમારે ભાવિકોને મહાશિવરાત્રીના મેળાનો પણ લ્હાવો લેવાની સાથે પ્લાસ્ટિક ગિરનાર-જૂનાગઢ મુહિમમા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શ્રી હરિ ગીરીજી બાપુ, શ્રી ઇન્દ્રભારતી બાપુ, શ્રી કરસનદાસ બાપુ, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, કલેકટર અનિલકુમાર રાણાવસિયા, કમિશનર ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, અધિક નિવાસી કલેકટર એન. એફ. ચૌધરી, પ્રાંત અને મેળા અધિકારી ભૂમીબેન કેશવાલા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ નગરસેવક એભાભાઈ કટારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ આશા ભોંસલેએ જ્યારે ગૃહમંત્રી અમિત શાહ માટે ગાઈ આ ગીતની પંક્તિ, જાણો સુંદર કાર્યક્રમ વિશે