ગીતા એકમાત્ર ગ્રંથ જેની જન્મજયંતી ઉજવાય છે, જાણો તેનું મહત્ત્વ
- વર્ષ 2023માં, ગીતા જયંતી 22 ડિસેમ્બર, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. આ વખતે ગીતા જયંતીની 5160મી વર્ષગાંઠ ઉજવવામાં આવશે.
ગીતા જયંતી દર વર્ષે માગશર મહિનાના સુદની મોક્ષદા એકાદશીના રોજ ઉજવવામાં આવે છે. ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ દ્વાપર યુગમાં માગશર માસના સુદ એકાદશીએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ કારણોસર આ દિવસને ગીતા જયંતી તરીકે ઉજવવાની પરંપરા છે. વર્ષ 2023માં, ગીતા જયંતી 22 ડિસેમ્બર, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. આ વખતે ગીતા જયંતિની 5160મી વર્ષગાંઠ ઉજવવામાં આવશે. ભગવાને ગીતામાં કહ્યું છે કે મહિનાઓમાં હું માગશર છું. તેથી આ મહિનો ભગવાનનું સ્વરુપ કહેવાયો છે. આ મહિનો ભગવાનને અતિશય પ્રિય હોય છે.
ગીતા જયંતીના દિવસે, લોકો ભગવાન કૃષ્ણની પૂજા કરે છે. આ શુભ દિવસે, ભક્તો ભગવત ગીતાનો પણ પાઠ કરે છે. ગીતામાં લગભગ 700 શ્લોક છે, જે જીવનની ઘણી મહત્ત્વની બાબતો અંગેનું જ્ઞાન આપે છે. ગીતા જયંતીના દિવસે કૃષ્ણ મંદિરોમાં ખાસ પૂજા અર્ચના પણ કરવામાં આવે છે.
જે સાધકો તેમની આધ્યાત્મિક પ્રગતિ કરવા માગે છે તેમના માટે ગીતાથી વધુ સારો કોઈ ગ્રંથ ન હોઈ શકે નહીં. આ સિવાય લોકો આ દિવસે પૂજાનું આયોજન કરે છે. એવું કહેવાય છે કે જે લોકો આ દિવસે ગીતાનો પાઠ કરે છે, તેમનું જીવન સકારાત્મકતાથી ભરેલું રહે છે.
ગીતા જયંતીનું ધાર્મિક મહત્ત્વ
હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર ગણાતી શ્રીમદ ભગવદ ગીતા વિશે એવું માનવામાં આવે છે કે જે કોઈ ગીતા જયંતીના દિવસે તેની પૂજા કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશનો પાઠ કરે છે, તેમજ પોતાના જીવનમાં આચરણ કરે છે, ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ તેના પર વરસે છે. અને તેને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કરનાર ક્યારેય ભ્રમના બંધનમાં ફસાતો નથી અને અંતમાં મોક્ષને પ્રાપ્ત કરે છે.
મોક્ષદા એકાદશીનું મુહૂર્ત
એકાદશી તિથિ 22 ડિસેમ્બર, શુક્રવારે સવારે 9.21 વાગ્યાથી શરૂ થશે. આ તારીખ 23મી ડિસેમ્બરે સવારે 7.41 કલાકે પૂરી થશે. એકાદશી તિથિ 23મીએ સૂર્યોદયના સમયે હશે, તેથી આ વ્રત 23મીએ જ રાખવું વધુ શુભ રહેશે. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જે તિથિ સૂર્યોદયના સમયે હોય છે તે આખા દિવસ માટે માન્ય હોય છે.
આ પણ વાંચોઃ ક્યાંક તમે પણ ખોટી રિલેશનશિપમાં તો નથી ને? ઓળખો આ સંકેતો પરથી