બિપરજોય વાવાઝોડાના કારણે જૂનાગઢમાં ગિરનાર રોપ-વે સેવા આજે પણ બંધ
વાવાઝોડાની અસરો પશ્ચિમ દક્ષિણ સૌરાષ્ટ્રના વધુ જોવા મળશે. તથા સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની પણ સંભાવના રહેશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. ઊંચા મોજા દરિયામાં ઉછળતા દરિયો ન ખેડવા માછીમારોને સલાહ આપવામાં આવી છે. ગુજરાતનાં તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. નવલખી, વેરાવળ, માંગરોળ તેમજ કચ્છ સહિતના બંદરો પર સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
બિપરજોય વાવાઝોડાના કારણે રોપ-વે સેવા બંધ:
છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટો આવતા પવનની ગતિ વધવાના કારણે છેલ્લા 3 દિવસથી ગિરનાર રોપ-વે બંધ કરી દેવાઈ છે. સંભવિત વાવાઝોડાને ધ્યાને લઇ ભારે પવનના સુસવાટાના કારણે ગિરનાર રોપ-વેની ટ્રોલી ભારે ઉંચાઇમાં સ્થિર ન રહી શકે તેમ હોવાથી તેને ધ્યાને લઇને ગિરનાર રોપ-વે ત્રણ દિવસથી સ્થગિત કરી દેવામાં આવેલ છે. જયાં સુધી સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી ગિરનાર રોપ-વે બંધ રહેશે. તેમ સંચાલકો જણાવ્યું છે કે કોઇ જાનહાની કે રોપ-વેમાં નુકસાની સંભવિત વાવાઝોડાના કારણે ન થાય તેની આગમચેતીના રૂપે ગિરનાર રોપ-વે બંધ કરવામાં આવ્યો છે. પવનની ગતિ ધીમી પડતા રોપ-વે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે.
ગીર સોમનાથમાં શું છે હવામાન વિભાગની આગાહી?
હવામાન વિભાગે તા.9 થી તા.12 દરમ્યાન વરસાદ વરસાવાની આગાહી કરેલ છે. જે અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જે બાબતે ખેડૂતોએ કૃષિ પેદાશોને સંભવિત નુકશાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે પગલાં લેવા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.
આ પણ વાંચો: વાવાઝોડાએ ભયાનક રુપ ધારણ કર્યું, હવે આ વિસ્તારોમાં પડશે વરસાદ