ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં દારૂબંધી… પણ ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને નોન-વેજ પાર્ટી, પૂજારીઓની કાળી કરતૂતોનો પર્દાફાશ

જૂનાગઢ, 13 માર્ચ 2026: ગુજરાતના પ્રસિદ્ધ તીર્થસ્થળ ગિરનાર પર આવેલા અંબાજી મંદિરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે ભક્તોની શ્રદ્ધાને હચમચાવી દીધી છે. અહીં મંદિરની દાનપેટીમાંથી પૈસા ચોરી કરતા પૂજારીનો વીડિયો CCTVમાં કેદ થઈ ગયો છે, જ્યારે બીજી ઘટનામાં એક વાયરલ વીડિયોમાં દારૂ અને નોન-વેજની પાર્ટીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ ઘટનાએ ધાર્મિક સંવેદનાઓને ઠેસ પહોંચાડી છે. જોકે, સરકાર તરફથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. 10 પૂજારીઓ અને 1 રસોઈયા સહિત કુલ 11 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બસ દરેક ઘટનાની જેમ આમાં પણ જવાબદેહીનો જ અભાવ છે.

ગિરનાર પર્વત પર આવેલું અંબાજી મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. પરંતુ તાજેતરમાં સામે આવેલા વીડિયોએ મંદિરની પવિત્રતાને કલંકિત કરી દીધી છે. CCTV ફૂટેજમાં એક પૂજારી દાનપેટીમાંથી રૂપિયાની થેલી ભરીને ચોરી કરતો જોવા મળે છે. આ વીડિયો વાયરલ થતાં જ જિલ્લા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

દાન પેટી પર પડી રહેલી ચલણી નોટો એકઠો કરતો પૂજારી.

બીજી તરફ, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં 2-3 વ્યક્તિઓ મંદિરના ભંડારામાં દારૂ પીતા અને નોન-વેજ ખાતા જોવા મળે છે. વીડિયોમાં આ લોકો ગાળો બોલતા પણ સંભળાય છે, જેણે પ્રસાદના રસોડાને અપવિત્ર કરી દીધું છે. આ ઘટનાએ તંત્રની બેદરકારી પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે કે મંદિરમાં તો પ્લાસ્ટિકની બોટલ લઈ જવાની પણ મનાઈ છે, ત્યારે દારૂ અને નોન-વેજ જેવી વસ્તુઓ અંદર સુધી કેવી રીતે પહોંચી? આ કોની રહેમનજર હેઠળ થઈ રહ્યું છે?

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

આતો પકડાયા એટલે ખબર પડી બાકી તો બની શકે કે આ કોઈ એક જ દિવસની ઘટના નથી. લાંબા સમયથી આવી પ્રવૃત્તિઓ ચાલી રહી હશે. આવા અનેક સવાલો હવે ભક્તોમાં ચિંતા અને રોષ પેદા કરી રહ્યા છે.

કોંગ્રેસે શુદ્ધિકરણ કર્યું, ભાજપ મૌન

આ ઘટના પર રાજકીય પાર્ટીઓની પ્રતિક્રિયાઓ પણ આવી છે. કોંગ્રેસે મંદિરમાં શુદ્ધિકરણ વિધિ કરીને પોતાની વિરોધી ભૂમિકા નિભાવી છે, જ્યારે ભાજપની મૌનતા પર સવાલો ઉઠી રહ્યા છે. સંતો અને ભક્તો તરફથી કડક સજાની માંગ કરવામાં આવી છે, જેમાં આરોપીઓને આજીવન ગિરનારથી દૂર રાખવાનો સમાવેશ છે. જોકે, ભાજપ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ નિવેદન આવ્યું નથી, જેના કારણે વિરોધીઓ પૂછી રહ્યા છે: “ભાજપ કેમ ચૂપ છે?” રાજ્યમાં દારૂબંધી હોવા છતાં આવી ઘટનાઓ પર વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સરકારને ઘેરી છે.

કેટલા મંદિરોમાં આવું ચાલતુ હશે?

આ ઘટનાએ એક મોટો સવાલ ઉભો કર્યો છે કે રાજ્યના કેટલા મંદિરોમાં આવી અનિયમિતતાઓ ચાલી રહી હશે? ભક્તો દાન આપે છે મંદિર વિકાસ અને ગરીબ કલ્યાણ માટે, પરંતુ પૂજારીઓ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. સુરક્ષા અને દેખરેખની અહી કોઈ વ્યવસ્થા નથી અથવા તો રહેમનજર હેઠળ કામ ચાલી રહ્યુ છે તે સ્પષ્ટ છે. વહીવટી તંત્ર દરેક કેસમાં કહે છે કે કડક કાર્યવાહી કરવામાં આવશે, છતા વારંવાર રાજ્યમાંથી દારૂ પકડાવાની ઘટનાઓ કઈક અલગ જ કહી રહી છે ત્યારે આ ઘટના વહીવટી તંત્રને જ કઠેડામાં ઉભુ કરે છે. ત્યારે સવાલ થાય છે કે તંત્ર પર કેટલો વિશ્વાસ રાખી શકાય જ્યારે તંત્ર જ જબાવદાર હોય તો.. કેમ કે કોઈ સુવિધા કે કોઈ જુગાડ વગર મંદિરમાં દારૂ અને ચિકન લઈ જવુ એમાંય ભંડારામાં જ બેસીને પાર્ટી કરવી એ સામાન્ય તો નથી જ લાગતુ.

આ ઘટના પર તપાસ ચાલુ છે. ભક્તોને અપીલ છે કે તેઓ વિશ્વાસ જાળવી રાખે અને આવી કરતૂતો વિરુદ્ધ અવાજ ઉઠાવે.

આમ તો ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે. છતા, મંદિરના ભંડારામાં દારૂની બોટલ ખુલી ગઈ, ચિકન ખવાઈ ગયુ, ગાળાગાળી ચાલી અને વીડિયો વાયરલ થઈ ગયો. જ્યાં પ્લાસ્ટિકની બોટલની પણ મનાઈ છે ત્યાં દારૂ સરળતાથી પહોંચી ગયો અને પાર્ટી કરનારા પણ કોણ? પૂજારીઓ જ.

ત્યારે હવે સવાલ એ છે કે…

– આમાં તંત્રના કેટલા લોકોની આંખ બંધ હતી?
– ચેકપોસ્ટ પર દારૂ પકડાય છે, તો ગિરનાર કેવી રીતે પહોંચી જાય છે?
– પૂજારીઓને નિમણૂંક કરનાર વહીવટી તંત્ર ક્યાં હતું?

સરકારે હવે વિચારવાની જરૂર છે કે, જો લોકોની દારૂની માંગ આટલી હદે વધી ગઈ છે અને રાજ્યમાં દારૂનુ ધુમ વેચાણ પણ થઈ રહ્યું છે, મંદિર સુધી પણ દારૂ સરળતાથી પહોંચી રહ્યો છે તો આ દારૂબંધીને કાગળ પર રાખીને શું ફાયદો? સરકાર જો દારૂબંધીનો કડક અમલ નથી કરી શકતી તો રાજ્યમાં દારૂ પરના પ્રતિબંધો હટાવી લેવા જોઈએ અને ટેક્સ લઈને રોડ-રસ્તા અને હોસ્પિટલો બનાવવા જોઈએ.

હવે તો GIFT સિટીમાં, હોટલોમાં, પરમિટથી ખુલ્લેઆમ વેચાણ ચાલે છે. જ્યાં સામાન્ય માણસને જેલનો ડર, ત્યાં પ્રીમિયમ જગ્યાએ પાર્ટી તો ચાલુ જ છે. આનાથી ફક્ત બુટલેગરો, પોલીસ-માફિયા-પોલિટિશિયનનું નેટવર્ક ચમકી રહ્યું છે, અને સરકાર ટેક્સ તો દૂર, રેવન્યુ પણ ગુમાવે છે. એ પણ અંદાજે 35,000થી 50,000 કરોડ વાર્ષિક.

ત્યારે આ કાગળ પરની બંધી ક્યાં સુધી? સરકારે હવે વિચારવું જોઈએ કે જો કડક અમલ અશક્ય છે તો પ્રતિબંધો હટાવી લેવા જોઈએ. ટેક્સ લો, રોડ-હોસ્પિટલ બનાવો, અને આ પર્સનલ બિઝનેસ બંધ કરી દો.

આ પણ વાંચો: ગુજરાતના પોલીસ કોન્સ્ટેબલ માટે મોટા સમાચાર, DyCM હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત

Back to top button