જ્વેલર્સ શોપમાં નોકરી કરતી યુવતીએ સવા કરોડના દાગીના ચોરી બોયફ્રેન્ડને આપ્યા
ગોધરા, 05 ઓગસ્ટ 2024, ગુજરાતમાં ચોરીની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવે છે. જેમાં કેટલીક ઘટનાઓ ચોંકાવનારી હોય છે. ગોધરામાં એક જ્વેલર્સમાં નોકરી કરતી યુવતીએ અત્યાર સુધીમાં સવા કરોડના દાગીના ચોરીને તેના બોયફ્રેન્ડેને આપ્યા હતા. જ્વેલર્સના માલિકે ચોરી પકડી પાડતાં પોલીસે યુવતીની ધરપકડ કરી છે. જ્યારે પ્રેમી હજુ ફરાર છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે યુવતીના પ્રેમીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
જ્વેલર્સમાંથી સવા કરોડના દાગીના ચોરીને બોયફ્રેન્ડને આપ્યા
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ગોધરા શહેરના એલઆઈસી રોડ પર હિમાંશુભાઈ અડવાણી ધનરાજ જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે. તેમની દુકાનમાં 8 જેટલા માણસો નોકરી કરે છે. તેમને 1 વર્ષ પહેલાં અનુષ્કા પારવાણી નામની યુવતીને નોકરીએ રાખી હતી. હિમાંશુભાઈ પોતાના સ્ટાફ સાથે જ સોનાના દાગીનાની ગણતરી કરતા હતા ત્યારે સોનાની 16 નંગ ચેઈન અને સોનાની બંગડીઓ સહિત 49 દાગીના ઓછા હતા. હિમાંશુભાઈએ તમામ સ્ટાફને ભેગા કરીને પૂછતાં અનુષ્કા પારવાણીએ જણાવ્યું હતું કે, તે પોતે દાગીના ચોરી ગઈ હતી અને ધાનકાવાડ ખાતે રહેતા તેના બોયફ્રેન્ડ નીલેશ લીલારામ ઠાકવાણીને આપ્યા હતા.
પોલીસે યુવતીની ધરપકડ કરીને ગુનો નોંધ્યો
જ્વેલર્સના CCTVમાં આ ઘટના કેદ થઈ ગઈ હતી અને તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, 25 જુલાઈએ રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ આ યુવતીએ લોકોની નજર ચૂકવીને છાનામાના પહેલાં એક ચેઈન અને પછી એક બંગડી ધીરેથી પોતાના ગજવામાં સેરવી રહી છે. યુવતી છેલ્લા એક વર્ષથી આ રીતે નાની-મોટી ચોરી કરતી હતી. પોલીસે CCTV આધારે યુવતીની ધરપકડ કરી લીધી છે.પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. હિમાંશુભાઈએ 16 નંગ ચેઈન જેની કિંમત 26,60,000 તેમજ સોનાની બંગડીઓ જેની કિંમત 99,50,000 છે. આમ કુલ 1,26,10,000ની કિંમતના ઘરેણાંની ચોરી થતાં પોલીસમાં એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃઅમદાવાદ: લાંચ લેતા ઝડપાયેલા હર્ષદ ભોજકના સેન્ટ્રલ બેંકના લોકરમાંથી 30 લાખના સોનાના બિસ્કિટ મળ્યા